ગુજરાત વિધાનસભામાં આજથી ચોમાસુ સત્ર શરૂ થયું છે. આ સત્રની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. જેમાં બનાસકાંઠા અને જેતપુર (ST)ના ધારાસભ્ય દ્વારા જાહેર હેતુ માટે ફાળવવામાં આવેલી જમીન અંગે સવાલ કરાયો હતો. જેનો મુખ્યમંત્રી વતી જવાબ આપતાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, નાગરિકોની સુવિધા વધારવામાં મદદરૂપ થતા રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશનને જાહેરહિતમાં બજાર ભાવે જમીન ફાળવવામાં આવે છે.


વિવિધ બોર્ડ/કોર્પોરેશન દ્વારા કુલ 22 અરજી મળી

બનાસકાંઠાના ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને જેતપુર (ST)ના ધારાસભ્ય સવજીભાઈ રાઠવાએ જાહેર હેતુ માટે ફાળવાયેલી જમીન અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં તા 31 જુલાઈ 2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન જાહેરહિતમાં જમીન ફાળવવા માટે વિવિધ બોર્ડ/કોર્પોરેશન દ્વારા કુલ 22 અરજી મળી હતી. જેમાં તમામ આધાર-પૂરાવાની તપાસ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કુલ 16 અરજીને મંજૂરી આપીને આશરે 523297 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી.છોટા ઉદેપુર જિલ્લામાં તા 31 જુલાઈ 2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન જાહેરહિતમાં જમીન ફાળવવા માટે વિવિધ બોર્ડ/કોર્પોરેશન દ્વારા કુલ 41 અરજી મળી હતી.

છોટા ઉદેપુરમાં 33 અરજીઓ મંજૂર કરવામાં આવી

તમામ આધાર-પૂરાવાની તપાસ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આમાંથી કુલ 33 અરજીને મંજૂરી આપીને આશરે 93329 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી.બોર્ડ કે કોર્પોરેશન દ્વારા સરકારી જમીનની માંગણી કરવામાં આવે ત્યારે જરૂરી તમામ આધાર-પૂરાવા અને ઉદ્દેશ્યની તપાસ કર્યા બાદ જંત્રી મુજબની કિંમત એડવાન્સમાં જમા લઈ તેમને જમીનનો આગોતરો કબજો સોંપવામાં આવે છે.ભરપાઇ કરેલી જંત્રી આધારીત રકમ બાદ કરતાં બાકી રહેતી તફાવતની રકમ ભરપાઇ કરવાનાં સમયે આગોતરો કબજો સોંપ્યા તારીખથી તફાવતની રકમ ભરપાઇ કરવામાં આવે તે તારીખ સુધીનાં સમયગાળા માટે વાર્ષિક 8 ટકાના દરે વ્યાજ પણ અરજદાર સંસ્થા પાસેથી વસૂલવામાં આવે છે.


  • Follow us on: