ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ રૂ.1478.71 કરોડનું મૂડીરોકાણ ધરાવતા 22 મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જેનાથી રાજ્યમાં અંદાજિત 4136 જેટલી નવી રોજગારીનું સર્જન થયું છે.મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્યમાં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના અંતર્ગત અંદાજે રૂ.148336.35 કરોડનું મૂડીરોકાણ તેમજ 1.65 લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન થયું છે.જેના પરિણામે MSME સેક્ટરના નાના અને મધ્યમ કક્ષાના આનુષંગિક ઉદ્યોગોને વધુ વેગ મળ્યો છે.
ક્યાં કેટલી મંજૂરી મળી તેની વિગતો
મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું કે, આજે મંજૂર કરવામાં આવેલી અરજીઓ પૈકી અમદાવાદ જિલ્લામાં મેટલ, પેપર, ફૂડ-એગ્રો, સિમેન્ટ-કોન્ક્રીટ સેક્ટરમાં રૂ. 383.91 કરોડ, કચ્છમાં મેટલ સેક્ટરમાં રૂ. 227.77 કરોડ, ભરૂચમાં કેમિકલ તથા સિરામિક સેક્ટરમાં રૂ. 218.88 કરોડ, મહેસાણામાં પેપર સેક્ટરમાં રૂ. 55.23 કરોડ, મોરબીમાં સિરામિક, મેટલ, પેપર, ટેક્ષ્ટાઇલ સેક્ટરમાં રૂ. 167.70 કરોડ, રાજકોટમાં મેટલ સેક્ટરમાં રૂ. 36.22 કરોડ, વલસાડમાં કેમિકલ, પ્લાસ્ટિક તથા પેપર સેક્ટરમાં રૂ.359.47 કરોડ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં પેપર સેક્ટરમાં રૂ.29.53 કરોડના મૂડીરોકાણને સહાય માટે મંજૂરી આપવામાં આવી છે.
ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજનાનો અમલ કરવામાં આવ્યો
રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતી-2015 હેઠળ ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે.ગુજરાતને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં અદ્યતન ટેક્નોલોજી અને ઈનોવેશનમાં અગ્રેસર કરવા અત્યાધુનિક ટેક્નોલોજી સાથે મોટા પાયે રોકાણ આકર્ષિત કરવા તેમજ નવીન પ્રોજેક્ટ્સમાં રોકાણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.રાજ્યમાં આવનારા ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી.સહાય આપવા અંગેની આ યોજના થકી ગુજરાત માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં રોકાણનું સૌથી આકર્ષક સ્થળ બન્યું છે જેને મોટા ઉદ્યોગો દ્વારા સારો એવો પ્રતિસાદ મળ્યો છે.