ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો ગઈકાલથી પ્રારંભ થયો હતો. આજે સત્રનો બીજો દિવસ છે. બપોરે 12 વાગ્યે સત્રનો પ્રારંભ થશે. પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે. ત્યાર બાદ વિવિધ કાગળો મેજ પર મુકાશે. મુખ્યમંત્રી ઓપરેશન સિંદૂર પર અભિનંદન પ્રસ્તાવ રજૂ કરશે. નાણા મંત્રી જીએસટી સુધારા પર અભિનંદન પ્રસ્તાવ લાવશે. ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક આજે ગૃહમાં રજૂ થશે. આ ઉપરાંત ગુજરાત જન વિશ્વાસ સુધારા વિધેયક પણ ગૃહમાં રજૂ કરાશે.


ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (CGST Act) અને ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (GGST Act) ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017માં સુધારો કરવો જરૂરી હોઇ વટહુકમ કરવામાં આવ્યો છે. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરીત કરવા આ વિધેયક લાવવામાં આવશે. જે આજે ગૃહમા રજૂ કરવામાં આવશે.

ગુજરાત જન વિશ્વાસ બિલ

ઉદ્યોગોમાં વ્યવસાય પ્રક્રિયાના પુનઃનિર્માણને પ્રોત્સાહન મળે અને લોકોના જીવનની સરળતામાં સુધારો થાય તે હેતુથી રાજ્ય સરકાર કાનુની નિયમનોને સરળ બનાવવા, ડિજિટાઇઝેશન અને તર્કસંગત બનાવવા જેવા શ્રેણીબદ્ધ પગલાં લેવા માટે તત્પર છે. જે અંતર્ગત સરકાર સરકાર જીવન અને વ્યવસાયોને સરળ બનાવવા અને કોર્ટ પરનો કેસોનો ભારણ ઘટાડવા માટે ‘ગુજરાત જન વિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025’ રજૂ કરશે.


  • Follow us on: