વિધાનસભા ગૃહ ખાતે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,અમદાવાદ જિલ્લાના નળકાંઠામાં સિંચાઈના પાણીથી વંચિત ૩૯ ગામના ૩૫,૪૮૬ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ માટેનું પાણી પૂરું પાડવા રાજ્ય સરકારે રૂ. ૧,૫૩૬.૮૬ કરોડની વિશેષ “નળકાંઠા યોજના” અમલમાં મૂકી છે. નળકાંઠા યોજનામાં સાણંદ તાલુકાના ૧૪ ગામ, બાવળા તાલુકાના ૧૨ ગામ અને વિરમગામ તાલુકાના ૧૩ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ખેડૂતોને સિંચાઇ સુવિધા પૂરી પાડવામાં આવશે
તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ નળકાંઠાના છેવાડાના ગામોનો નર્મદા કમાન્ડમાં સમાવેશ કરવામાં આવશે તથા પાઇપલાઇન અને કેનાલ મારફતે આ ગામના ખેડૂતોને સિંચાઇ સુવિધા પૂરી પાડવામાં આવશે.આ ઉપરાંત નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના હેઠળ સમાવિષ્ટ વિસ્તારમાં પણ સિંચાઇની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આવશે.૨૩ તળાવો તથા માટીબંધને પણ ઇન્ટરલીંક કરવામાં આવશે. નળકાંઠા યોજનાના પ્રથમ તબક્કામાં રૂ.૩૭૭.૬૫ કરોડના ખર્ચે કુલ ૨૬.૧૮ કિલોમીટર લાંબુ એમ.એસ. પાઈપ લાઈનનું નેટવર્ક ઉભું કરવામાં આવી રહ્યું છે.યોજનાનો પ્રથમ તબક્કો લગભગ પૂર્ણતાને આરે છે. તા. ૩૧ જુલાઈ,૨૦૨૫ સુધીમાં ૨૨.૭૮ કિલોમીટર લંબાઈમાં પાઇપ લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઇ છે.













