સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે.ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની સમગ્ર ટીમ રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને સમગ્ર કાર્યપ્રગતિ પર નજર રાખવાની સાથે તેમને માર્ગદર્શન આપી રહી છે.
કામગીરી બૂથ લેવલ ઓફિસર સુપેરે સંભાળી રહ્યા છે
મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં બૂથ લેવલ ઓફિસર પાયાના પત્થર સમાન છે.ગણતરી ફોર્મનું વિતરણ, મતદારને તેમના નામ અથવા સંબંધીઓના નામ સાથે મેચિંગ/ લિંકિંગમાં મદદ કરવી તથા નવા મતદારોને નામ ઉમેરવા માટે કરવી પડતી પ્રક્રિયાથી માહિતગાર કરવા સહિતના ખૂબ જ અગત્યની કામગીરી બૂથ લેવલ ઓફિસર સુપેરે સંભાળી રહ્યા છે.જેના માટે તેમને ફાળવવામાં આવેલા વિસ્તારના ઘરોની ત્રણ વખત મુલાકાત પણ લઈ રહ્યા છે.













