રાજ્યમાં રોજગાર મેળા વિશે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ 119 રોજગાર મેળાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.આ રોજગાર મેળાઓ થકી 20195 યુવાઓને રોજગારી મળી છે.અનુબંધમ વેબપોર્ટલ પર ઉમેદવારો પોતાના ઘરે બેઠા નોંધણી કરી શકે છે અને નોકરીદાતા તેમની ખાલી જગ્યાઓ ઓનલાઈન નોંધાવી શકે છે.
નોકરીદાતાઓ દ્વારા યુવાઓને રોજગારી આપવામાં આવી
મંત્રીએ ઉમેર્યું કે,રોજગાર અને તાલીમ નિયામકની કચેરી હેઠળ રાજયમાં 46 રોજગાર કચેરીઓ કાર્યરત છે. રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની યોગ્ય તકો મળી રહે તે માટે રાજ્યની રોજગાર કચેરીઓ ખાતે નામ નોંધણી,ખાલી જગ્યાઓ સામે ઉમેદવારોની ભલામણ, રોજગાર ભરતીમેળા, કારકિર્દી સલાહ અને માર્ગદર્શન જેવી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આઈકામેટ એચ.આર ઈન્ડિયા પ્રા.લી, ટાટા મોટર્સ, ઝાયડસ લાઈફસાયન્સ લી., યુનિસન ફાર્માસ્યુટીકલ્સ પ્રા.લી જેવા વિવિધ નોકરીદાતાઓ દ્વારા યુવાઓને રોજગારી આપવામાં આવી છે.













