ગુજરાતમાં ચોમાસામાં ભારે વરસાદને કારણે ખેતીનું ધોવાણ થયું હતું. ત્યાર બાદ માવઠાને કારણે ખેતરમાં ઉભો પાક ધોવાઈ ગયો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો માવઠાએ છીનવી લીધો છે. કુદરતી આપદાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. રાજ્ય સરકારે પાક નુકસાનીનો સરવે શરૂ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે.
અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુખ્યમંત્રી મુલાકાત લેશે
રાજ્યમાં માવઠાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની આજે મુખ્યમંત્રી મુલાકાત લેશે. તેઓ આજે અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને ખેડૂતોને મળશે અને તેમની સાથે ચર્ચા વિચારણા કરશે. મુખ્યમંત્રીની સાથે કૃષિમંત્રી જીતુ વાઘાણી અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે.













