ગુજરાત રાજ્યના કર્મચારીઓ તેમના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને ફરી એકવાર સરકાર સામે મોરચો માંડવા તૈયાર છે. જૂની પેન્શન યોજના (OPS) ફરીથી લાગુ કરવાની માંગ, ફિક્સ પગારની નીતિ દૂર કરવી અને આઠમાં પગાર પંચની રચના જેવા મુખ્ય મુદ્દાઓને લઈને કર્મચારીઓ આંદોલન રણશિંગું ફૂંકવા જઈ રહ્યા છે. સરકાર સાથે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ ન મળતા, કર્મચારી સંગઠનોએ હવે સીધા સંઘર્ષનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે.
રાજ્ય કર્મચારી સંકલન સમિતિની બેઠક
આ આંદોલનની રણનીતિ ઘડવા માટે ગુરુવારે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક મળશે. આ બેઠકમાં રાજ્યભરમાંથી વિવિધ કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહેશે અને આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરશે. શક્ય છે કે, આ બેઠકમાં આંદોલનના કાર્યક્રમો જેવા કે દેખાવો, પ્રદર્શનો અને હડતાળ અંગે નિર્ણય લેવામાં આવે. કર્મચારીઓનું માનવું છે કે, સરકારની ઉદાસીનતાને કારણે તેમને કાયમી ધોરણે નુકસાન થઇ ગયું છે.
સરકાર તરફથી સમસ્યાનો ઉકેલ આવતો નથી
આ મુદ્દાઓને લઈને ભૂતકાળમાં પણ અનેકવાર આંદોલનો થયા છે, પરંતુ સરકાર તરફથી માત્ર આશ્વાસનો મળ્યા છે, જેનાથી કર્મચારીઓમાં ભારે રોષ છે. કર્મચારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ આગામી મોરચો સરકાર માટે એક મોટો પડકાર સાબિત થઇ શકે છે, કારણ કે કર્મચારીઓ તેમના હક્કો માટે લડવા માટે પ્રતિબદ્ધ છે.