ગાંધીનગરમાં બે નિર્દોષ લોકોનો ભોગ લેનાર ભયાનક હિટ એન્ડ રન કેસમાં આરોપી હિતેશ પટેલે પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી છે. હિતેશ પટેલે દાવો કર્યો છે કે, તેને હિસ્ટેરિયાની બીમારી છે અને ઘટના સમયે તેને એકસાથે છ છીંક આવી હતી. આ કારણે તેણે કાબૂ ગુમાવ્યો અને આ અકસ્માત થયો. તેણે પોલીસને જણાવ્યું છે કે, તે ગાડીમાં ઓઈલ ચેન્જ કરાવીને નીકળ્યો હતો. જોકે, તેની આ કબૂલાત તેની ક્રૂર કરતૂતો સાથે મેળ ખાતી નથી. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, હિતેશ પટેલની ગાડી સૌપ્રથમ એક બાઈક સાથે અથડાઈ હતી. બાઈક ચાલક પડી જતાં હિતેશે પોતાની ગાડી રોકવાને બદલે ભગાવી હતી.
હિતેશ પટેલની ગાડી સૌથી પહેલા બાઈક સાથે અથડાઈ
ત્યારબાદ, તેણે ગાડી ભગાવતાની સાથે જ એક એક્ટિવા સાથે અથડામણ કરી. એક્ટિવાચાલક નીચે પડ્યા પછી પણ હિતેશે ગાડી ભગવવાનું ચાલુ રાખ્યું. આ પછી, ઝડપભેર જતી તેની કાર વધુ એક ટુ-વ્હીલર સાથે અથડાઈ જેના ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું. આટલું જ નહીં, હિતેશ પટેલે ફરીથી ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો અને તે વધુ એક એક્ટિવા સાથે અથડાયો જેના ચાલકનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાક્રમ દર્શાવે છે કે હિતેશે એક પછી એક વાહન અને વ્યક્તિઓને અડફેટે લીધા હતા અને તેના "છ છીંક"ના બહાના પર સવાલો ઉભા થાય છે.
સ્પીડોમીટરને તપાસ માટે FSL મોકલ્યું
પોલીસે હવે આ ગાડીની સ્પીડ જાણવા માટે સ્પીડોમીટરની તપાસ હાથ ધરી છે અને તેને FSL માં તપાસ માટે મોકલ્યું છે. આ ઉપરાંત, અગાઉ લેવામાં આવેલા બ્લડ સેમ્પલનો FSL રિપોર્ટ પણ હજુ આવવાનો બાકી છે. આ તમામ રિપોર્ટ્સ આવ્યા બાદ જ હિતેશ પટેલની સાચી કરતૂત અને તેની દલીલોનું સત્ય સામે આવશે. પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે અને ન્યાય આપવામાં કટિબદ્ધ છે.