દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો નવો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો છે. આ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ‘PM કિસાન ઉત્સવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં સીધા જ 2000 રૂપિયાનો હપ્તો સહાય રૂપે જમા થશે. સમગ્ર રાજ્યના ખેડૂતો માટે આ ઉત્સવ સમાન પ્રસંગ બની રહ્યો છે.
ખેડૂતોની સુખાકારી માટે સરકાર કટિબદ્ધ: CM ભૂપેન્દ્ર પટેલ
કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસનના સફળ વર્ષો પૂર્ણ કર્યા છે, જેમાં ખેડૂતોનું કલ્યાણ હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ખેડૂતો માટે સૌથી મહત્વની જરૂરિયાત પાણીની છે. આગામી સમયમાં જો ‘અલ નીનો’ની સ્થિતિ સર્જાય તો પણ ખેડૂતોને ઓછી તકલીફ પડે તે માટે સરકારે દૂરંદેશી પગલાં ભર્યા છે અને જ્યાં જરૂર છે, ત્યાં નર્મદાના પાણી પહોંચાડવાનું આયોજન કરાયું છે.
પાણી સંગ્રહ અને પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર
મુખ્યમંત્રીએ પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા અંગે વાત કરતા જણાવ્યું કે, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને ગુજરાતના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું લક્ષ્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, પહેલા તળાવ ભરવા માટે 5 કિલોમીટર સુધી મંજૂરી અપાતી હતી, જે હવે વધારીને 7 કિલોમીટર કરવામાં આવી છે. ધારાસભ્યોની ગ્રાન્ટમાં પણ વધારો કરાયો છે, જેથી રિચાર્જ બોર બનાવી શકાય. તેમણે ખેડૂતોને DAPનો ઓછો વપરાશ કરવા અને વૈજ્ઞાનિક પરિણામો આપતી પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.
અલ નીનોની સંભવિત પરિસ્થિતિ સામે ગુજરાત સરકાર સજ્જ: CM ભૂપેન્દ્ર પટેલ
ચોમાસાની આગાહી વચ્ચે દેશમાં અલ નીનોની સંભવિત પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું કે, આ સંકટ સામે લડવા માટે રાજ્ય સરકારે અગાઉથી જ પોતાની રીતે આગોતરા પગલાં લઈ લીધા છે. ખેડૂતોને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે સરકારે અત્યારથી જ જરૂરિયાતવાળા વિસ્તારોમાં નર્મદાના પાણી ભરાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. સરકારના આ આગોતરા આયોજનથી સંભવિત દુષ્કાળ કે પાણીની તંગીના પડકાર સામે ખેડૂતોના પાકને મોટું રક્ષણ મળશે.
કોઈપણ વચેટિયા વિના ખેડૂતોના ખાતામાં ₹1025 કરોડ જમા: જીતુ વાઘાણી
આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુ વાઘાણીએ સરકારના નિર્ણયોને બિરદાવતા કહ્યું કે, આજના હપ્તા દ્વારા ગુજરાતના ખેડૂતોને કુલ 1025 કરોડ રૂપિયાની સહાય સીધી તેમના ખાતામાં મળશે. વર્ષ 2019થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત દેશના 9.5 કરોડથી વધુ ખેડૂતોને પારદર્શક રીતે, કોઈપણ વચેટિયા વગર લાભ મળી રહ્યો છે. મમતા બેનર્જીની સરકારે પશ્ચિમ બંગાળના ખેડૂતો સાથે અન્યાય કર્યો હતો, પરંતુ હવે ત્યાંના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળી રહ્યો છે.
સબસિડીમાં વધારો અને આપત્તિ સમયે કરોડોનું પેકેજ
જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતોની લાગણીઓને સમજનારી સરકાર છે. ખેડૂતો માટે વીજળી વધારવાનો નિર્ણય હોય કે આપત્તિના સમયે મદદ કરવાની વાત હોય, સરકાર હંમેશા અગ્રેસર રહે છે. સરકારે કૃષિ ઓજારો પર કરોડોની સબસિડી આપી છે, સનેડોની સહાયમાં વધારો કર્યો છે, અને ખેતરની ફરતે વાડ બનાવવા માટે ફેન્સિંગ યોજનામાં પણ મોટા નિર્ણયો લીધા છે. દિવાળીના સમયે પણ સરકારે ઉદારતા દાખવી ખેડૂતોને 25 હજાર કરોડ રૂપિયા આપ્યા હતા. કોંઢ ગામના ખેડૂતોની સમસ્યા અંગે પણ સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું છે, અને તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.
આ પણ વાંચો - Gujarat Latest News Live: ખેડૂતોના ખાતામાં આવ્યા પૈસા! PM મોદીએ પશ્ચિમ બંગાળથી રિલિઝ કર્યો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો