મહોરમના તહેવાર નિમિત્તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકના અધ્યક્ષસ્થાને આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.આ બેઠકમાં રાજ્યના પોલીસ વડાએ તમામ શહેર,જિલ્લા,રેન્જ અને યુનિટના વડાઓને મહોરમના જુલૂસ, તાજીયાના રૂટ્સ પર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે કડક બંદોબસ્ત સ્કીમ તૈયાર કરવા સૂચના આપી હતી.કોમી એકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ, મોહલ્લા સમિતિઓ, ધાર્મિક અગ્રણીઓ અને સમુદાયના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠકો યોજવા તાકીદ કરી હતી.
સઘન ફૂટ પેટ્રોલીંગ કરવાના આદેશ અપાયા
તહેવાર દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી સંખ્યામાં SRPF કંપનીઓ અને પ્લાટૂનની ફાળવણી કરવામાં આવી છે.બંદોબસ્તમાં તૈનાત તમામ પોલીસ કર્મચારીઓને ફરજ પર મોકલતા પૂર્વે તેમની જવાબદારીઓ, વિસ્તારની સંવેદનશીલતા અને ઇમરજન્સી પ્રોટોકોલ અંગે યોગ્ય બ્રીફિંગ આપવા આદેશ આપ્યા છે.સમગ્ર રાજ્યમાં તાજીયા જુલૂસ સંદર્ભે આઇડેન્ટિફાઇડ 919 જેટલા સંવેદનશીલ સ્થળો પર ટેકનોલોજીની મદદથી એક્સ્ટ્રા એલર્ટ રહેવા જણાવાયું છે.આ ઉપરાંત, છેલ્લા પાંચ વર્ષમાં મહોરમ દરમિયાન જે વિસ્તારોમાં નાની-મોટી ઘટનાઓ નોંધાઈ છે ત્યાં રિસ્ક એસેસમેન્ટ કરવા તાકીદ કરાઈ છે.જાહેર જનતામાં સુરક્ષાનો અહેસાસ વધારવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં 8 થી 10 પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી સઘન ફૂટ પેટ્રોલીંગ કરવાના આદેશ અપાયા છે.













