રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે. હવે ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવશે. ચૈતર વસાવા હવે પાકા કામના કેદી બન્યાં છે. કોર્ટે સજા ફટકાર્યા બાદ ચૈતર વસાવા અને તેમના વકીલે નિવેદન આપ્યું હતું કે, તેઓ હવે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે. બીજી તરફ વિધાનસભા ઉપાધ્યક્ષ પુર્ણેશ મોદીએ પણ આ કેસને લઈને નિવેદન આપ્યું છે. 


વિધાનસભા ઉપાધ્યક્ષ પુર્ણેશ મોદીનુ નિવેદન

ચૈતર વસાવાને સજાના મુદ્દે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે,કાયદા પ્રમાણે જ્યારે કોઈ ધારાસભ્ય કે સાંસદને બે વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેમનું સભ્યપદ આપોઆપ રદ થઈ જાય છે.આ કાયદાને આધારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ રદ ગણાશે અને ડેડિયાપાડાની બેઠક હવે ખાલી જાહેર કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ અંગેની પ્રક્રિયા મુજબ કાયદા વિભાગ અને વિધાનસભા અધ્યક્ષને દરખાસ્ત મોકલાશે.જ્યાં સુધી ઉપલી કોર્ટમાંથી આ સજા પર સ્ટે ના આવે ત્યાં સુધી આ બેઠક ખાલી જ ગણાશે.જો તેમને ઉપલી કોર્ટમાંથી રાહત મળે અને સજા પર સ્ટે આવે તો જ તેમને ફરીથી ધારાસભ્ય ગણી શકાશે.

હવે અમે ઉપલી કોર્ટમાં અપીલ કરીશુંઃ ચૈતર વસાવા

સજા જાહેર થયા બાદ ચૈતર વસાવાએ કહ્યું હતું કે, આજે મને સાત વર્ષની જેલની સજા મળી છે. મને ન્યાય તંત્ર પર પૂરો ભરોસો છે. કોર્ટના ચુકાદાનો આદર કરીએ છીએ. હવે અમે ઉપલી કોર્ટમાં અપીલ કરીશું. તેમના વકીલ સુરેશ જોશીએ કહ્યું હતું કે, આ રાજકીય કિન્નાખોરી રાખીને ખોટી રીતે ઉભો કરેલો કેસ છે. આ કેસમાં હવે સજાનો ચુકાદો આવ્યો છે. હવે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવા સહિતના 9 આરોપીઓને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે. ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવી છે. 


આ પણ વાંચોઃ Narmada News: સજા બાદ ચૈતર વસાવાએ કહ્યું, મને ન્યાયતંત્ર પર ભરોસો છે હવે ઉપલી કોર્ટમાં અપીલ કરીશું


  • Follow us on: