ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવાર આસપાસ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી શકે છે, જેના સ્પષ્ટ ભણકારા વાગી રહ્યા છે. આ વિસ્તરણ માત્ર સરકાર પૂરતું સીમિત નહીં રહે પણ સંગઠનમાં પણ ફેરફાર કરીને તેને વધુ સાબદું કરવામાં આવશે. આ સમગ્ર કવાયત પાછળનું મુખ્ય કારણ આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર અને સંગઠનને ધારદાર બનાવવાનું છે. મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની 'ડિઝાઇન' વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસમાં પાંચ કલાકની લાંબી બેઠક દરમિયાન તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
PM મોદીની બેઠક અને સંભવિત વિસ્તરણની તારીખ
PM મોદીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સંગઠન મહામંત્રી સહિત અન્ય અગ્રણીઓ સાથે પણ PM મોદીએ વિસ્તૃત ચર્ચા કરી હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, મંત્રીમંડળનું વિસ્તરણ સંભવતઃ 15 થી 17 ઓક્ટોબરની વચ્ચે થઈ શકે છે. જો આ વિસ્તરણ થાય તો તે ભૂપેન્દ્ર પટેલની સરકારનું પહેલું મોટું વિસ્તરણ હશે. આ વિસ્તરણ દ્વારા સરકારમાં નવા જોશ અને જુસ્સાનો સંચાર કરવાનો પક્ષનો આશય છે.













