ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે એક અત્યંત ગમખ્વાર અને દુઃખદ ઘટના બની છે. જેમાં પ્રિ-વેડિંગ ફોટો શૂટ માટે આવેલા પાંચ લોકો દરિયાના ઊંચા મોજામાં તણાયા હતા. આ દુર્ઘટનામાં ચાર યુવકોનો બચાવ થયો છે. જ્યારે એક યુવતી દરિયામાં લાપતા બની છે. પાંચ યુવક-યુવતીઓનું એક ગ્રુપ આદરી બીચ પર પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી માટે આવ્યું હતું. ફોટો શૂટ દરમિયાન, અચાનક દરિયાની મોટી લહેર આવી હતી અને તેમાં આ પાંચેય લોકો તણાઈ ગયા હતા.


વેરાવળના આદરી બીચ પરની ઘટના

દરિયામાં ઊંડે ખેંચાઈ જતાં ત્યાં હાજર અન્ય લોકોમાં અને ઘટનાસ્થળે ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક લોકો અને તરવૈયાઓની મદદથી તુરંત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સદભાગ્યે તણાયેલા પાંચ લોકોમાંથી ચાર યુવકોનો સફળતાપૂર્વક બચાવ કરી લેવાયો હતો. જોકે એક યુવતી દરિયાના પ્રવાહમાં લાપતા બની જતાં તેની શોધખોળ ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર વિભાગ અને અનુભવી તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

પ્રિ-વેડિંગ ફોટો શૂટ માટે આવ્યા હતા પાંચ લોકો

લાપતા યુવતીને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દરિયાકિનારે, ખાસ કરીને ઊંચા મોજા કે ખતરનાક સ્થળોએ, ફોટોગ્રાફી કે મનોરંજન માટે જતી વખતે સાવચેતી રાખવી અને દરિયાના જોખમી પ્રવાહોથી દૂર રહેવું કેટલું જરૂરી છે.


  • Follow us on: