ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરના ઉના ઝાંપા વિસ્તારમાં આજે બે સ્થાનિક પરિવારો વચ્ચે મામૂલી વાતને લઈને ગંભીર બબાલ થતાં ચકચાર મચી ગઈ છે. આ વિવાદમાં બંને પરિવારોના કુલ ચાર સભ્યોને ઈજા પહોંચી છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. આ બબાલનું મૂળ કારણ મકાન નજીકનો જાહેર રસ્તો હતો. બંને પરિવારો વચ્ચે આ રસ્તાના ઉપયોગ અને સીમાને લઈને છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો હતો.


મકાન નજીક રસ્તાને લઈને બંને પરિવારો વચ્ચે વિવાદ

આજે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા. વાતચીતથી શરૂ થયેલી ચર્ચા થોડી જ વારમાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. ઝઘડામાં થયેલી મારામારીના કારણે બંને પરિવારોના બે-બે સદસ્યોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

બંને પરિવારોના 2-2 સદસ્યો હોસ્પિટલમાં દાખલ

આ સમગ્ર બબાલનો વીડિયો કોઈ સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બે પરિવારો વચ્ચેની ઉગ્ર અથડામણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસે હાલમાં આ મામલે બંને પક્ષોની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.


  • Follow us on: