રાજકોટ તથા શહેરના આસાપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ચારે બાજુ પાણી ભરાયા હતા. ગોંડલમાં 1 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદના પગલે પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. ગોંડલ રાજકોટ હાઇવે પર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આશાપુરા, લાલપુલ, ઉમવાડા વિસ્તાર પાણી ભરાયા હતા. ખોડીયાર નગર અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતા ખેતરોમાં પણ પાણી ભરાયા હતા.


સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદ

ગુજરાતના મોટાભાગના વિસ્તારના વાતાવરણમાં અચાનક જ ફેરફાર જોવા મળ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, અમરેલી, ગોંડલ, સુરત, નવસારી, તાપી, ડાંગ સહિત અનેક શહેરોમાં મેઘરાજાએ પધરામણી કરી છે. ત્યારે રાજકોટ શહેરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે અને વીજળી પડવાના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે.

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જસદણ, આટકોટ, વીરનગર, જસાપર, પાંચવડા, સાણથલી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જસદણ શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે નગરપાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. બીજી તરફ જસદણ તાલુકાના સાણથલી ગામમાં સારો વરસાદ વરસતા ખેતરમાં વરસાદી પાણી ભરાયા છે. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. નાધુ પીપળીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.


  • Follow us on: