સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ શહેરમાં આજે સાંજે એક મોટી દુર્ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના ધાંગધ્રા દરવાજા નજીક જે એક અત્યંત વ્યસ્ત વિસ્તાર છે ત્યાં આવેલા ટ્રાન્સફોર્મરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના જાહેર શૌચાલય નજીક બની હતી. જ્યાં દિવસભર લોકોની સતત અવરજવર રહેતી હોય છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ મોટા અવાજો સાથે ભડાકા થવા લાગ્યા હતા.
ધાંગધ્રા દરવાજા નજીક શોર્ટ સર્કિટને કારણે થયા ભડાકા
જેના કારણે આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. ટ્રાન્સફોર્મરમાંથી નીકળતી આગની જ્વાળાઓ અને અવાજો સાંભળીને લોકોએ સલામતી માટે ભાગદોડ શરૂ કરી દીધી હતી. આ ઘટનાથી થોડા સમય માટે લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ વીજળી વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા માટે વીજળી વિભાગ દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભીડને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં ભર્યા હતા.
આસપાસમાં લોકોમાં અફરા તફરીનો માહોલ
જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ભીડભાડવાળા વિસ્તારમાં આ બનાવ બન્યો હોવા છતાં લોકો સમયસર સલામત સ્થળે ખસી ગયા હતા. જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. વીજળી વિભાગ દ્વારા હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી અને વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે સમારકામની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટનાને કારણે સ્થાનિક રહીશોમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.