દિવાળીનો તહેવાર નજીક હોવાથી અમદાવાદ શહેરના બજારોમાં લોકોની ભીડ જામી છે. એક તરફ અમદાવાદથી પોતાના વતન તરફ જતાં મુસાફરોની રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે. રાજ્ય સરકારે મુસાફરો માટે દિવાળીમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાની જાહેરાત કરી છે. ત્યારે હવે અમદાવાદમાં એએમટીએસ બસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
AMTSનો દિવાળીને લઇને મહત્વનો નિર્ણય
અમદાવાદની એએમટીએસ બસમાં શહેરીજનો દિવાળીના તહેવારના ત્રણ દિવસ મફતમાં મુસાફરી કરી શકશે. ધનતેરસથી લઈને દિવાળીના દિવસ સુધી તમામ લોકોને મફતમાં મુસાફરીનો લાભ મળશે. એએમટીએસના ચેરમેન ધરમશી દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, અમદાવાદમાં દિવાળી દરમિયાન આસપાસના ગામો અને શહેરોમાંથી ખરીદી કરવા અનેક લોકો આવે છે. આ લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા દિવાળીના ત્રણ દિવસમાં મફત મુસાફરી કરી શકાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.













