સામાન્ય રીતે ફટાકડા ફોડયા વગર દિવાળીની ઉજવણી અધૂરી રહેતી હોય છે, જેનાં કારણે લોકો ફરજિયાતપણે ફટાકડાની ખરીદી કરતા હોય છે. આ વખતે પણ ફટાકડનાં ભાવમાં 10થી 12 ટકા જેટલો વધારો થયો છે. કારણ કે, જ્યાં ફટાકડાઓનું ઉત્પાદન થઇ રહ્યું છે તે શિવાકાશી તામિલનાડુમાં આવેલું છે, અહીં સારા એવા પ્રમાણમાં વરસાદ પડયો હતો. જેને કારણે જોઇતા પ્રમાણમાં માલ ડિસ્પેચ ન થતો હોવાને કારણે હાલે બજારમાં ખાસ કરીને માર્સલ બોમ્બની શોર્ટેઝ જોવા મળી રહી છે. જોકે, ભાવને અગવણીને પણ લોકો મનમૂકીને ફટાકડાની ખરીદી કરી રહ્યા છે.


બે વર્ષમાં 25 થી 30 ટકા જેટલા ભાવ ફટાકડામાં વધ્યા

મહત્ત્વની બાબત એ છે કે, 2024ની દિવાળી સમયે પણ 15 ટકાનો વધારો થયો હતો, તેની તુલનાએ આ વખતે પણ 10થી 12 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે, બે વર્ષમાં 25 થી 30 ટકા જેટલા ભાવ ફટાકડામાં વધ્યા છે. તેની પાછળનું કારણ કેમિકલોમાં થોડાઘણો ભાવ વધારો તેમજ હવે તમામ આઇટમો આકર્ષક બોક્સમાં આવી ગઇ હોઈ બોક્સ પ્રિન્ટિંગના ભાવમાં પણ વધારો થયો છે. તો વરસાદને કારણે માલનું ઉત્પાદન ઓછું થતાં પણ તેની સીધી અસર ભાવો ઉપર પડતી હોય છે.

ઓપરેશન સિંદૂર અને ટેન્ક ટાઇપમાં બોમ્બનું આકર્ષણ

ભારત અને પાકિસ્તન વચ્ચે થયેલી લડાઇને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું, ત્યારે આ નામ સાથે જ આ વખતે પહેલીવાર માર્કેટમાં ઓપરેશન સિંદૂર બોમ્બ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ બોમ્બની વિશેષતા એ છે કે, તે ફૂટયા પછી શેરી, મહોલ્લામાં તેના પડઘા પડતા હોય છે, જેને કારણે પણ લોકો તેની પ્રથમ પસંદગી કરી રહ્યા છે, તો બાળકો માટે ભારતીય ટેન્ક ટાઇપનાં બોમ્બ પણ માર્કેટમાં અત્યારે ધૂમ મચાવી રહ્યા છે.



 આ વખતે માર્કેટમાં 20થી વધુ નવી વેરાઇટીઓ ઉપલબ્ધ

ફટાકડાનાં હોલેસેલ વેપારી ચૌધરી દિનેશભાઇએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વખતે ફટાકડાનાં વેચાણમાં વધારો થયો છે. છતાં લોકો મુક્ત મને ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. વળી, આ વખતે માર્કેટમાં 20થી વધુ નવી વેરાઇટીઓ આવી છે જે ગ્રાહકોને પણ આકર્ષી રહી છે. તેમાંય બાળકો માટેનાં ફટાકડાની હાલે સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે, જેમાં એક સાથે પાંચ ધડાકાવાળા ફટકડા, ઝીણા ઝીણા કાગળો હવામાં ઉડતા હોય તેવા, અનેકવિધ પ્રકારની રંગબેરંગી ફૂલઝર, ભોકોઠી, જમીન ચક્કરી, બોમ્બ, રોકેટ સહિતના સદાબહાર ફટાકડાઓની પણ લોકો ખરીદી કરી રહ્યા છે.

રૂટિન ફટાકડાઓની દર વર્ષની જેમ ડિમાન્ડ યથાવત્

ફટાકડાનાં હોલેસેલ વેપારી પરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, આ વખતે માર્કેટમાં બાળકો માટે સારા એવા પ્રમાણમાં નવી વેરાઇટીઓ આવી છે, જેમાં બેન્ટેન, છોટા ભીમ, ક્વેટર્સ, ચીટપુટ, કલર પિંજોરા ફટાકડાની સારી માગ છે. આ વખતે ફૂલઝડીમાં પણ નવી વેરાઇટી રેડગ્રીન કે જેમાં એક ડબ્બીમાં બંને મિક્સ આવે છે તેની પણ ડિમાન્ડ છે. આ સિવાય ફેન્સી આઇટમોમાં પીકોક, ફૂલઝડી, દોરી, પેન્સિલ, ફ્લાવર સ્પોર્ટ, ભંભુ, લવિંગિયા ટેટા, ચકલી છાપ ટેટા, વિવિધ પ્રકારનાં રોકેટ, ભોંચક્કરી સહિતના રૂટિન ફટાકડાની દર વર્ષની જેમ આ વખતે પણ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ડિમાન્ડને કારણે ફટાકડાની માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.


  • Follow us on: