અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું પર્વ એટલે દિવાળી. આ વર્ષે દિવાળી નાનામાં નાના કારીગરોથી લઈને દરેક વ્યક્તિઓ માટે પ્રકાશ લઈ આવી છે. આ દિવાળી સૌ માટે ખુશી લઈને આવી છે એવું કહીએ તો નવાઈ નહીં, પહેલા ફટાકડા માટે શિવાકાશી પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ નજીકમાં જ મીની શિવાકાશી તૈયાર થઈ ગયું છે. કારણ કે ગુજરાતના ફટાકડાના વેપારીઓએ આત્મનિર્ભર તરફ એક પગલું ભર્યું છે.


વર્ષોથી અહીંના વેપારીઓ ફટાકડાની ફેક્ટરી સાથે જોડાયેલા

દ્રશ્ય જોઈને એવું લાગશે કે આ દ્રશ્ય તામિલનાડુના વિશ્વ પ્રખ્યાત શિવાકાશીના હશે કે જેને ફટાકડાનું હબ ગણવામાં આવે છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ ગુજરાતનું અને એમાં પણ અમદાવાદ નજીક આવેલું રામોલ પાસેનું વાંચ ગામ છે કે જેને ગુજરાતનું શિવાકાશી અને ફટાકડાના હબ તરીકે ઓળખાઈ રહ્યું છે. જ્યાં સૌથી વધારે ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે અને વર્ષોથી અહીંના વેપારીઓ ફટાકડાની ફેક્ટરી સાથે જોડાયેલા છે અને વર્ષોથી આ જ વ્યવસાય સાથે જોડાઈને પોતાના જીવનનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ વર્ષે સૌથી વધારે બોમ્બની વેરાઈટી લોકોને મળશે. પરંતુ ચોમાસાની સિઝનના કારણે પ્રોડક્શન ઘટ્યું છે. કારણ કે આ વર્ષે આશરે 6 માસ વરસાદ રહ્યો હોવાના કારણે પ્રોડક્શન ઘટતા ભાવમાં 20 ટકા જેટલો વધારો રહેશે.

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ મોકલવામાં આવે છે ફટાકડા

અમદાવાદથી નજીકમાં રહેલું વાંચ ગામ આશરે 10,000ની વસ્તી ધરાવતું ગામ છે. છેલ્લા થોડા વર્ષોથી અહીં ફટાકડાની ફેકટરીઓ બની છે, ગામમાં અત્યારે અંદાજે 35 જેટલી ફેક્ટરી છે. વર્ષ દરમિયાન ચોમાસા સિવાયના 8 માસ અહીં સતત ફટાકડા બનાવવાની કામગીરી કરવામાં આવે છે. આ ગામમાં બનેલા ફટાકડા ના માત્ર અમદાવાદમાં પરંતુ અન્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પણ મોકલવામાં આવે છે. તમિલનાડુનું શિવાકાશી બાદ ગુજરાતના વાંચ ગામના વેપારીઓ પણ આ વખતે આત્મનિર્ભર તરફનો પ્રયાસ કર્યો છે. ફટાકડા બનાવવા માટે અનેક કેમિકલની જરૂરિયાત ઉભી થતી હોય છે. જેમાં પોટેશિયમ નાઈટ્રેટ ,સલ્ફર એલ્યુમિનિયમ પાવડર લાલ માટી અને માટી ગામનો ઉપયોગ ફટાકડા બનાવવામાં કરવામાં આવે છે. આ ખુબ જોખમી કામ છે જો થોડી પણ ચૂક થઈ તો કોઈપણ સમયે આગ લાગી શકે છે અને જીવ પણ જઈ શકે છે.

દિવાળી સુધીમાં 100 જેટલા સ્ટોલ પણ ચાલુ થઈ જશે

અત્યારે વાંચ ગામમાં 50 જેટલી ફટાકડાની ફેકટરીઓ આવેલી છે તો દિવાળી સુધીમાં 100 જેટલા સ્ટોલ પણ ચાલુ થઈ જશે. પરંતુ ફટાકડા બનાવવા માટે ફાયર સેફટીના સાધનો રાખવા અને આગ પર કાબુ મેળવવા પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. એ જ રીતે ફટાકડા સ્ટોલ પર પણ આજ પ્રકારે વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી છે. અહીંના ફટાકડા અમદાવાદ શહેરમાં પણ અલગ અલગ જગ્યાઓ પર વેચવામાં આવતા હોય છે, જેને લઈને ફાયર વિભાગ દ્વારા તપાસ શરુ કરવામાં આવતી હોય છે અને સરકારની ગાઈડલાઈનનું પાલન ચુસ્ત પણે કરાવવામાં આવતું હોય છે. વાંચ ગામની વાત કરીએ તો અહીં પણ કેટલાક વેપારીઓ નિયમોની ઐસી તૈસી કરી દેતા હોય છે, ત્યારે તેમની સામે પણ ફાયર વિભાગ કડક હાથે કામ લેશે.

પરંતુ ચાલુ વર્ષે સરકારના ગૃહ વિભાગની ગાઈડ લાઈન મુજબ noc આપવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે. સ્થળ તપાસ કરવી ફાયરના સાધનોની તપાસ કરવી લાયસન્સ છે કે નહીં આ તમામ તપાસ પોલીસ કરશે, જ્યારે ફાયર વિભાગ માત્ર સરપ્રાઈઝ ચેકીંગ કરશે. વાંચમાં દિવસે દિવસે ફેક્ટરી અને ફટાકડાના સ્ટોલ વધતા જઈ રહ્યા છે અને દિવાળી જેવા તહેવારો આવે ત્યારે ચોક્કસ કારીગરો માટે ઉત્તમ દિવસો માનવામાં આવે છે. કારણ કે અનેક દિવસોની મહેનત બાદ મોટા પ્રમાણમાં ફટાકડા તૈયાર થતા હોય છે અને આવા તહેવાર આવવાના કારણે તેમના ઘરમાં પણ દિવાળી ખરા અર્થમાં ઉજવાય છે.

  • Follow us on: