તહેવારોને રંગીન બનાવી દેતા રાજકોટવાસીઓએ આ વર્ષે પણ દિવાળીના પર્વની ધમાકેદાર અને અવિસ્મરણીય ઉજવણી કરી છે. આખું શહેર જાણે કે રોશનીના જગમગાટ અને ઉત્સાહના ઉમંગથી ઝળહળી ઉઠ્યું હતું. જેમાં ઢોલ-નગારા અને શરણાઈના સૂરોએ માહોલને વધુ સંગીતમય બનાવી દીધો હતો. રાજકોટમાં દિવાળીનો અર્થ માત્ર દીવા પ્રગટાવવા પૂરતો સીમિત નથી પરંતુ તે સામૂહિક આનંદ અને ઉલ્લાસનું પર્વ છે.
ઢોલનગારા, શરણાઈ સાથે દિવાળીની ઉજવણી
શહેરની અલગ અલગ સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં પરિવારો તેમજ સોસાયટીના સભ્યો દ્વારા ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજ ઢળતાની સાથે જ શહેરના આકાશમાં આકાશી ફટાકડાઓનો દબદબો જોવા મળ્યો હતો. વિવિધ પ્રકારના રંગબેરંગી ફટાકડાઓએ આકાશને અદ્ભુત કેનવાસમાં ફેરવી દીધું હતું. બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ આ આકાશી આતશબાજી અને ફટાકડાના અવાજની સાથે હર્ષોલ્લાસપૂર્વક પર્વની ઉજવણી કરી હતી.













