દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે ગુજરાત સરકારના ગૃહ વિભાગે દિશાનિર્દેશો કરેલા છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી તેમજ પ્રજાને અગવડ ન પડે તે માટે વડોદરા શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને દિવાળી અને બીજા તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા પર અમુક નિયંત્રણો લાદ્યા છે.
ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ કરી શકશે
આ જાહેરનામા અંતર્ગત પોલીસ કમિશનરની હદ વિસ્તારમાં આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર સલામતી માટે અમુક કૃત્યોનું ચુસ્તપણે પાલન કરવા માટે ફરમાવવામાં આવ્યું છે. જાહેરનામા અંતર્ગત દિવાળી તહેવાર દરમિયાન રાત્રે 8થી 10 કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. તેમજ નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે 11.55 કલાકથી 12.30 કલાક સુધી જ ફોડી શકાશે. આ ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ કરી શકશે. આ વેપારીઓએ સુપ્રીમ કોર્ટના 23-10-2023ના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલા ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે. ફટાકડા બનાવવા માટે બેરીયમનો ઉપયોગ કરી શકાશે નહીં.













