વડોદરા શહેર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓની જર્જરિત હાલત અને તેના નવીનીકરણમાં થઈ રહેલા અસામાન્ય વિલંબને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. શિક્ષણ સમિતિની 100 પૈકીની 12 શાળાઓ અત્યંત જર્જરિત હાલતમાં છે. છ મહિના અગાઉ, રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર દ્વારા આ 12 શાળાઓના 52 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જોકે, આ ખાતમુહૂર્તને 6 મહિના વીતી ગયા હોવા છતાં આજદિન સુધી એક પણ શાળામાં કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ અને સલામતી પર જોખમ ઊભું થયું છે.
વાડીની શાળાનું વિશાળ સંકુલ ખંડેર
શહેરની જાણીતી વાડી વિસ્તારની જગદીશચંદ્ર બોઝ પ્રાથમિક શાળાનું વિશાળ સંકુલ હાલમાં ખંડેર હાલતમાં પડ્યું છે. આટલી વિશાળ જગ્યા અને નવીનીકરણ માટે ફંડ ઉપલબ્ધ હોવા છતાં સરકારી શાળાના નિર્માણમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલી મંડળના પ્રમુખ દીપક પાલકરે આ મુદ્દે નિવેદન આપતા શિક્ષણ સમિતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો સ્પષ્ટ મત છે કે શિક્ષણ સમિતિને વિદ્યાર્થીઓના હિતમાં બિલકુલ રસ નથી અને તેઓ બેદરકારી દાખવી રહી છે.













