અમદાવાદ શહેરના ડોક્ટર્સે હેપેટાઇટિસ એ સંબંધિત લીવર ફેઇલ થવાના કેસોમાં 5-7 ગણો વધારો જોયો છે. હેપેટાઇટિસ એ સાથે સંકળાયેલા લીવર ફેઇલ થવાના કેસમાં નોંધપાત્ર વધારો કોવિડ-19 મહામારી બાદ થયો છે તેમજ 10-25 વર્ષની વયજૂથના વ્યક્તિઓ તેનાથી સૌથી વધુ પ્રભાવિત છે.


હેપેટાઇટિસ A વાયરસ એક સમયે હળવો માનવમાં આવતો હતો

અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલના લીવર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયને કહ્યું હતું કે,અમે કોવિડ પહેલાના સમયની તુલનામાં હાલ હેપેટાઇટિસ એ સંબંધિત લીવર ફેઇલ થવાના કેસોમાં ઓછામાં ઓછો 5-7 ગણો વધારો જોઇ રહ્યાં છીએ. હેપેટાઇટિસ A વાયરસ એક સમયે હળવો માનવમાં આવતો હતો, જે હવે વધુ આક્રમક જોવાઇ રહ્યો છે અને તેના ગંભીર પરિણામો આવે છે.ઘણાં દર્દીઓને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે છે. કેટલાંક કેસમાં વાયરસથી વિવિધ અંગો ફેઇલ થવા અને આખરે મૃત્યુ તરફ દોરી જાય છે.

ઓળખ એક સામાન્ય બ્લડ ટેસ્ટથી કરી શકાય

હેપેટાઇટિસ એ લીવર ઇન્ફ્લેમેશનનો એક પ્રકાર છે. જે દૂષિત ભોજન, પાણી અથવા સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી થાય છે. તેના લક્ષણોમાં ખૂબજ થાક અને નબળાઇ, અચાનક ઉબકા અને ઉલટી, ઝાડા, પેટામાં દુખાવો અથવા બેચેની, ભૂખ ન લાગવી, સામાન્ય તાવ, ગાઢ રંગનો પેશાબ, સાંધામાં દુખાવો, ત્વચા અને તમારી આંખોનો સફેદ ભાગ પીળો પડવો (કમળો) સામેલ છે.હેપેટાઇટિસ એ મુખ્યત્વે અપૂરતી સ્વચ્છતાને કારણે થાય છે તેમજ ચોમાસામાં તેના કેસો વધી જાય છે. તે દૂષિત ભોજન અથવા પાણી પીવાથી ફેલાઇ શકે છે. હેપેટાઇટિસ એની ઓળખ એક સામાન્ય બ્લડ ટેસ્ટથી કરી શકાય છે.

ફળો અને શાકભાજીને યોગ્ય રીતે ધોવા જોઇએ

ફિઝિશિયન ડોક્ટરે કહ્યું હતું કે, હેપેટાઇટિસ એ અસ્વચ્છ પરિસ્થિતિઓને કારણે થતો હોવાથી મારી સલાહ છે કે ફળો અને શાકભાજીને યોગ્ય રીતે ધોવા જોઇએ, સુરક્ષિત,ગરમ અને ફિલ્ટર કરેલું પાણી પીવું જોઇએ તેમજ ખાસ કરીને ચોમાસામાં બહારનો ભોજન ટાળવું જોઇએ અને હાથને સ્વચ્છ રાખવા જેવી મૂળભૂત હાઇજિન પ્રેક્ટિસને અપનાવવી જોઇએ. હેપેટાઇટિસ એ થી બચવાની શ્રેષ્ઠ રીત રસીકરણ છે. હેપેટાઇટિસ એ રોકી શકાય તેવી બિમારી છે અને તેની રસી પણ ઉપલબ્ધ છે.જે વ્યક્તિઓને તેમના રસીકરણની સ્થિતિ વિશે સ્પષ્ટ જાણકારી નથી, તેઓ એન્ટીબોડી ટેસ્ટ કરાવી શકે છે અને જો રસી ન લીધી હોય તો રસી લઇ શકે છે.

હેપેટાઇટિસ બી ના કેસમાં નોંધપાત્ર ઘટાડો

તેનાથી વિપરિત સરકારના રસીકરણ કાર્યક્રમોને કારણે હેપેટાઇટિસ બી ના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ રસીકરણ વર્ષ 2002થી નેશનલ ઇમ્યુનાઇઝેશન સ્કીમ શિડ્યૂલ (રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ)નો હિસ્સો રહ્યો છે, જેના પરિણામે તેના સમાવેશ બાદ જન્મેલા લોકોને નોંધપાત્ર રક્ષણ મળ્યું છે. આ પહેલા તે ભારતમાં લીવર કેન્સર અને લીવર ફેઇલ થવાના મુખ્ય કારણો પૈકીનું એક હતું. જોકે, સરકારના પ્રયાસોને કારણે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. હાલમાં મોટાભાગના કેસ એવાં વૃદ્ધોમાં જોવા મળે છે કે જેમનો જન્મ રસી વ્યાપકપણે ઉપલબ્ધ થાય તે પહેલાં થયો હતો.


  • Follow us on: