કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે બપોર બાદ સાથે મળીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર ચાલી રહેલા રસ્તાના કામોનું સ્થળ પર સઘન નિરીક્ષણ કર્યું હતું.બંને મહાનુભાવો સાબરકાંઠાના મોતીપુરા-હિંમતનગર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 ના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.હિંમતનગરથી ચિલોડા જતા પ્રાંતિજ તાલુકાના રસુલપુર ખાતે નિતીન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગ્રામજનો દ્વારા ભવ્ય અભિવાદન સ્વાગત કરાયું હતું.
ઓવર બ્રિજની માગણી કરવામાં આવી
હિંમતનગરથી ચિલોડા સુધીના નેશનલ હાઈવેના નિરીક્ષણ સમયે કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી પ્રાંતિજ રસુલપુર ખાતેથી પસાર થવાના હોવાથી ગ્રામજનો માર્ગમાં તેમના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં.ગ્રામજનો દ્વારા ગામ નજીકથી નેશનલ હાઈવે પસાર થાય છે અને ખેડૂતોના ખેતર બીજી બાજુ છે.જેથી વારંવાર અકસ્માત સર્જાતા હોવાથી ઓવર બ્રિજની માગણી કરવામાં આવી રહી હતી.જે સ્વીકારતા ગ્રામજનોએ કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.













