સાબરકાંઠાની સાબરડેરીમાં ભાવ ફેર મુદ્દે પશુપાલકોએ આંદોલન કર્યું હતું. જેમાં ડેરી દ્વારા અનેક રજૂઆતોનો ઉકેલ નહીં લવાતા પશુપાલકોએ ડેરી ખાતે એકઠા થઈને ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. પોલીસે એકઠા થયેલા પશુપાલકોના ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના 50 જેટલા સેલ છોડ્યા હતાં. આ આંદોલનમાં 46 લોકોની અટકાયત કરાઈ હતી અને 74 આગેવાનો સામે ફરિયાદ દાખલ કરાઈ હતી.હવે સાબર ડેરીએ પ્રતિ કિલો ફેટે ભાવ વધારો જાહેર કર્યો છે. દૂધના ભાવ વધારા અંગે સાબરડેરીના ચેરમેન શામળ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
અમુક તત્વોએ ડેરીનો ગેટ તોડવાનો પ્રયાસ કર્યો
સાબરડેરીના ચેરમેન શામળ પટેલે કહ્યું હતું કે, સાબર ડેરીની બેઠકમાં સર્વાનુમતે ભાવ વધારાનો નિર્ણય લેવાયો છે. ભાવ ફેર મુદ્દે થયેલા આંદોલનમાં પશુપાલકોએ નહીં અસામાજિક તત્વોએ ટોળાનો લાભ લીધો છે. અમુક તત્વોએ ડેરીનો ગેટ તોડવાનો પ્રયાસ કર્યો છે. ભવિષ્યમાં આવું કોઈ ના કરે તેનું ધ્યાન રખાશે. અમુક તત્વોએ જે કૃત્ય કર્યું છે તે ખૂબજ દુઃખદ છે. જ્યારે આંદોલન થયું ત્યારે ડેરીની નજીકમાં પથ્થરો નહોતા તો આવ્યા ક્યાંથી. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા લોકોને ઉશ્કેરીને જતા રહ્યા હતાં. આ દિવસે હું ડેરીમાં હાજર નહોતો.
પશુપાલકનું મોત થયું છે તેનું અસલી કારણ મને ખબર નથી
શામળ પટેલે વધુમા કહ્યું હતું કે, આંદોલનમાં ઈડરના એક પશુપાલકનું મોત થયું છે તેનું અસલી કારણ મને ખબર નથી. કાયદો બધા માટે સરખો છે. કાયદાની પ્રક્રિયાને અનુસરીને આગળ વધીશું. પશુપાલકો સામે ફરિયાદ પાછી ખેંચાય તેવી શક્યતાઓ ઓછી છે. સાબર ડેરીમાં દર વર્ષે હિસાબો મંજૂર કરીને ભાવવધારો જાહેર થાય છે. આ પહેલા ઈડરના ધારાસભ્યએ કહ્યું હતું કે, પશુપાલક આંદોલનમાં જેલમાં ગયેલા 47ને છોડવા તાત્કાલિક પ્રયાસ કરાશે.