ધોળકામાં યુરિયા ખાતરની અછતના કારણે જગતના તાતને યુરિયા ખાતર લેવા માટે હાલાકી પડી રહી છે. ખાતર લેવા માટે ડેપો પર ટોકન સિસ્ટમ હોવાથી ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડે છે. ખેડૂતને આધારકાર્ડથી 5 થેલી જ ખાતર આપવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.


ટોકન સિસ્ટમ હોવાથી લાઈનમાં રહેવું પડે છે : ખેડૂતો

ધોળકા તાલુકાના ડેપો પર યુરિયા ખાતર નથી અને ખેડૂતોને ગામડાઓમાંથી ખાતર લેવા માટે ધોળકાના સરદાર ડેપો પર ખાતર આવતા તે ડેપોએ આવવું પડે છે. ધોળકા તાલુકાના ખેડૂતોને યુરિયા ખાતર લેવા માટે ડેપો પર જાય છે. ત્યારે ડેપો પર ટોકન આપવામાં આવે છે. ટોકન સિસ્ટમ હોવાથી લાઈનમાં રહેવું પડે છે ખેડૂતોનું કહેવું છે કે એક ખેડૂત આધારકાર્ડ આપે તો 5 બોરી ખાતર આપવામાં આવે છે, પરંતુ 50-100 વીઘાના ખેડૂતને આ પાંચ બોરી ખાતરથી કેવી રીતે પોસાય? ખાતર લેવા માટે ખેડૂતો રોજે રોજ ધક્કા ખાય છે.

ખેડૂત કેવી રીતે આવક ડબલ કરશે?

એપીએમસીમાં આવેલા ડેપો પર 15 દિવસે કે મહિને એકવાર ગાડી આવે છે, ડેપોના જવાબદારો પણ કહે છે કે અમે ખાતર મગાવતા જ નથી, આ તો સરકાર મોકલે છે એટલે અમે ખેડૂતોને આપીએ છીએ છે. બાકી અમારે ખાતરની જરૂર જ નથી એવા જવાબો આપે છે તો જગતના તાતને યુરિયા ખાતરની જરૂર હોય તો ક્યાં જાય જવાબદારો જ આવા જવાબ આપતા હોય અને જાણી જોઈને ખાતર ના મગાવતા હોય તો ખેડૂતો ખાતર ક્યાંથી લાવશે? કેવી રીતે પોતાના પાકમાં ખાતર નાખી ઉપજ લઈ ડબલ આવક કરશે તે સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે સરકાર ખેડૂતોને સમયસર અને જરૂરિયાત મુજબ યુરિયા ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

  • Follow us on: