સાબરકાંઠાની ઇડર નગરપાલિકામાં સ્થાનિકોનો અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા સારી કામગીરી કરવામાં ન કરતાં લોકો રોષે ભરાયા છે. વોર્ડ નં 3, 4 અને 5 માં સાફસફાઈ, પાણી અને ગટર સહિતના મુદ્દે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી છે. ઇડરના સ્થાનિક યુવાનોએ ઘોરનિંદ્રામાં સુતા તંત્રને જગાડવા માટે પાલિકામાં જઈ "હાય હાય" ના નારા લગાવ્યા હતા. યુવાનોએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં તગારામાં કચરો લઈ જઈ વિરોધ દર્શાવ્યો હતો. તેમને લોકોની તકલીફનો ખ્યાલ આવે અને તેમની આંખો ખુલે તે માટે તગારમાં કચરો લઈ જઈ વિરોધ દર્શાવ્યો હતો.


ચીફ ઓફિસરની ચેમ્બરમાં કચરો લઈ જઈ દેખાવ કર્યો

લોકોને રહેણાંક વિસ્તારમાં પીવાના તેમજ વપરાશના પાણીની સમસ્યાને લઇ ભારે હાલાકી પડી રહી છે. પીવાનું પાણી ડહોળું તેમજ ફીણવાળું આવતું હોવાને લઈ રોગચાળાનો રહીશોમાં ભય ફેલાયો છે. પીવાનું સ્વચ્છ પાણી પણ પાલિકા દ્વારા આપવામાં આવતું નથી. અવાર-નવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પરિણામ ન મળતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની પ્રાથમિક જરૂરીયાતો પણ તંત્ર દ્વારા પૂરી કરવામાં આતી નથી. ભીમ યુવા સંગઠન દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરાઈ હતી. પરંતું તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

"હાય હાય" અને ભ્રષ્ટાચારના નારા લગાવી વિરોધ કર્યો

આ સિવાય રહેણાંક વિસ્તારમાં ગટર સાફસફાઈ તથા પાણી, લાઇટ સહિત સફાઈના કામો અનિયમિત છે. પાલિકા કચેરીમાં સ્થાનિક યુવાનો અને લોકોએ આવીને "હાય હાય" અને ભ્રષ્ટાચારના નારા લગાવ્યા હતા. છેલ્લા અઢી વર્ષથી વહીવટદાર શાસનમાં ચાલતી પાલિકામાં તેના ગેરવહીવટ સામે સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોની માંગણીઓ જો નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવમાં આવી છે. સ્થાનિકોની માંગ છે કે તેમની તમામ સમસ્યાઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે. પાલિકા દ્વારા પ્રાથમિક જરૂરિયાતો જ જો પૂરી થતી ન હોય તો લોકોનું જીવન કઈ રીતે સરળ બનાવશે. 

  • Follow us on: