સાબરકાંઠા જિલ્લામાં ખાનગી વાહનચાલકો બેફામ બન્યા છે. એકબાજુ રાજ્યમાં દિવાળી તહેવારની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ હાઈવે પર ખાનગી વાહનોમાં જીવન જોખમે મોતની સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. ઇડર–ખેડબ્રહ્મા હાઈવે પર યુવાનોની બેફામ રીતે સવારી કરાવતા વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે એક વાહનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો સવારી કરી રહ્યા છે. આ વાયરલ વીડિયો દિવાળીમાં પોલીસના બંદોબસ્તને લઈને અનેક સવાલ ઉભા કરે છે.
ખાનગી વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો
રાજ્યમાં દિવાળી તહેવારને લઈને બજાર અને એસ ટી સ્ટેન્ડ પર ભારે ભીડ છે. લોકો પોતાના વતનની વાટ પકડી રહ્યા છે. દરમિયાન ઇડર–ખેડબ્રહ્મા હાઈવે પર મુસાફરોના માથે લટકતું મોત છે. હાઈવે પર ખાનગી વાહનો મુસાફરોને યાત્રાની સુવિધા પૂરી પાડે છે. દરમિયાન તાજેતરમાં એક ઇકો જીપ વાહનમાં વધુ પેસેન્જર છે. વાહનની અંદર હકડેઠઠ લોકો ભર્યા છે અને કેટલાક તો માત્ર એક હાથે લટકતા દેખાયા છે. જીવન જોખમમાં મૂકી મુસાફરો જોખમી મુસાફરી કરી રહ્યા છે. 11 પાસિંગની જીપમાં 45થી વધુ મુસાફરોને ખચોખચ ભરીને લઈ જવામાં આવતા દ્રશ્યો સામે આવ્યા છે.













