જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ધ્રોલના લતીપર ગામ પાસે હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી બે કાર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે, આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ભયાનક ટક્કરમાં 3 લોકોના મોત
આ ભયાનક અકસ્માત એટલો જોરદાર હતો કે, બંને કારના કુરચે-કુરચા બોલી ગયા હતા. કારમાં સવાર મુસાફરોમાંથી 3 લોકોના ઘટના સ્થળે જ શ્વાસ રૂંધાઈ જવાના કારણે અને ગંભીર ઇજાઓ થવાના કારણે કમકમાટીભર્યા કરૂણ મોત નીપજ્યા હતા. આ ઉપરાંત, બંને વાહનોમાં સવાર અન્ય 6 જેટલા લોકોને નાની-મોટી અને ગુપ્ત ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં કારમાં ફસાઈ ગયા હતા, જેમને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.













