ગુજરાતના વ્યાપારી જગતમાં ખળભળાટ મચાવતા એક મોટા સમાચાર જામનગરમાંથી સામે આવ્યા છે. જામનગરની સુપ્રસિદ્ધ અને અગ્રણી મરીન કંપની 'શ્રીજી શિપિંગ' સાથે કરોડો રૂપિયાની આર્થિક છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાની સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ
ગાંધીધામની એક પ્રતિષ્ઠિત કંપનીના ડાયરેક્ટર દ્વારા આશરે 20.56 કરોડથી વધુની રકમ ઓળવી જઈને પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ હાઈપ્રોફાઈલ મામલે જામનગરના જાણીતા અગ્રણી ઉદ્યોગપતિ જીતેન્દ્ર હરિદાસ લાલે જામનગર સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
ચંદનકુમાર છગનલાલ મહેશ્વરી સામે નામજોગ ફરિયાદ
પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, જીતેન્દ્ર લાલે ગાંધીધામની 'મહેશ્વરી હેન્ડલીંગ એજન્સી પ્રાઇવેટ લિમિટેડ' ના ડાયરેક્ટર ચંદનકુમાર છગનલાલ મહેશ્વરી સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી છે. આરોપી ચંદનકુમારે શ્રીજી શિપિંગ કંપની પાસેથી બાર્જ , ટગ ભાડા પર રાખવા સહિતની વિવિધ સ્ટીવડોરિંગ મરીન સેવાઓ લીધી હતી. આ સેવાઓના ચાર્જ પેટે ચૂકવવાની થતી રૂપિયા 2.56 કરોડથી વધુની રકમ આરોપીએ લાંબા સમયથી ચૂકવી ન હતી.
બે કંપની સાથે છેતરપીંડી કરી
વાત માત્ર અહીં જ નથી અટકતી, આરોપીએ 'સિદ્ધિ મરીન સર્વિસીસ LLP' પાસેથી લેવામાં આવેલી વિવિધ મરીન સેવાઓના રૂપિયા 13.73 કરોડથી વધુના ચાર્જ પણ બાકી રાખ્યા હોવાનો આરોપ છે. આ ઉપરાંત, 'નરોતમકા કોમોડિટીઝ પ્રાઇવેટ લિમિટેડ' પાસેથી અલગ-અલગ સમયે વ્યાપારી હેતુ માટે લેવામાં આવેલી લોન અને તેના વ્યાજ પેટે ચૂકવવાના થતા રૂપિયા 4.26 કરોડથી વધુની રકમ પણ પરત ચૂકવી ન હતી.
ધંધાકીય સંબંધોનો દુરુપયોગ કરાયો
આમ, મરીન સેવાઓ, ટ્રેડિંગ અને બિઝનેસ લોન મળીને કુલ રૂપિયા 20564637ની મસમોટી રકમ બાકી રાખી, ધંધાકીય સંબંધોનો દુરુપયોગ કરી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને, કરોડોના આ આર્થિક કૌભાંડના દસ્તાવેજો એકત્ર કરી આગળની ઊંડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?