આજે જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 226 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ફ્લાય ઓવરનો રાજકોટ અને ખંભાળિયા તરફથી આવતા વાહન ચાલકો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જામનગરવાસીઓને રૂ. 622 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા 69 જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. તેમણે રૂ.487.62 કરોડના ખર્ચે પૂર્ણ થયેલાં વિવિધ કામોનું લોકાર્પણ કર્યું હતું.
અમે આવીએ કે ના આવીએ પણ આ શહેર હંમેશા સ્વચ્છ રહે છે
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, જામનગર શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કર્મીઓને સૌએ સહકાર આપવો જોઈએ. રસ્તા પર કચરાના ઢગલા કરવાનું બંધ કરવું જોઈએ. આજે જામનગરની સફાઈ જોઈને આનંદ થાય છે. અમે અહીં આવીએ ત્યારે જ સફાઈ થાય છે. તેમ મનમા તમે પણ હસતા હશો. મારી પાસે એવી માહિતી છે કે અમે આવીએ કે ના આવીએ પણ આ શહેર હંમેશા સ્વચ્છ રહે છે. આના માટે તમારો સહકાર ખૂબ જ જરૂરી છે.













