આવતીકાલે સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી કૂલ 622.52 કરોડના 69 વિકાસ કામોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરશે. આવતીકાલના મુખ્યમંત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. તેમજ 30 ગાડીઓના કાફલા સાથે રિહર્સલ પણ કરવામાં આવ્યું છે.


ખાત મુહૂર્ત થનારા કામોની યાદી

આજે જામનગરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. જામનગર એરપોર્ટથી સાત રસ્તા બ્રિજ અને સભા સ્થળ સુધી 30 જેટલી ગાડીઓના કાફલા સાથે રૂટનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. શહેરમાં મુખ્યમંત્રીના હસ્તે 54 કામોના ખાતમુહૂર્ત અને 15 કામોના લોકાર્પણ કરવામાં આવશે. જેમાં જામનગર મનપા હસ્તકના રૂ. 33.89 કરોડના કામો, પશુપાલન વિભાગના 13 કામો, માર્ગ અને મકાન વિભાગના રૂ. 64.03 કરોડના 34 કામો, પોલીસ વિભાગનું રૂ. 20.36 કરોડનું એક કામ, જિલ્લા આયોજન કચેરી હસ્તકનું રૂ. 0.09 કરોડનું એક કામ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકનું રૂ. 0.90 કરોડનું એક કામ સામેલ છે.

લોકાર્પણ થનાર કામોની યાદી

લોકાર્પણ થનાર કામોમાં જામનગર મનપા હસ્તકના રૂ. 417.33 કરોડના સાત કામો, મેડિકલ કોલેજ હસ્તકનું રૂ. 54.94 કરોડનું એક કામ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના રૂ. 2.04 કરોડના ચાર કામો, સિંચાઈ વિભાગના રૂ. 13.26 કરોડના બે કામો અને જિલ્લા આયોજન કચેરી હસ્તકનું રૂ. 0.05 કરોડનું એક કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અન્ય વિભાગોના રૂ. 101.01 કરોડના 53 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 70.29 કરોડના 8 કામોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીના આગમનને પગલે જામનગર વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Surat : મનપાની કતારગામ ઝોન ઓફિસની બહાર 10 થી વધુ અધિકારીઓએ ‘મોબાઇલ પ્રતિબંધ’ની નોટિસ લગાવતા લોકોમાં રોષ


  • Follow us on: