જામનગર શહેરમાં મહોરમનો તહેવાર નજીક આવતા જ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરી દેવામાં આવી છે. સંવેદનશીલ અને મુખ્ય વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જામનગર શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સરપ્રાઈઝ વિઝિટ
જામનગરની સુરક્ષા વ્યવસ્થાનું આકલન કરવા માટે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયે ખાસ જામનગર શહેરની મુલાકાત લીધી હતી. તેમણે શહેરના મુખ્ય એવા 'સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન' વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આઈજીએ સ્થાનિક અધિકારીઓને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી કડક સૂચનાઓ આપી હતી.
ટોચના અધિકારીઓનો કાફલો મેદાને
આઈજી નિર્લિપ્ત રાયના આ નિરીક્ષણ પ્રવાસ દરમિયાન જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની તેમજ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો સાથે જોડાયો હતો. તમામ અધિકારીઓએ સાથે મળીને બંદોબસ્તની વ્યૂહરચના અને સંવેદનશીલ પોઈન્ટ્સ પર પોલીસ ફોર્સની તૈનાતી અંગે ચર્ચા કરી હતી.
શાંતિપૂર્ણ ઉજવણી માટે આધુનિક મોનિટરિંગ અને સઘન પેટ્રોલિંગ
મહોરમનો તહેવાર સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ટેકનોલોજી અને હ્યુમન સોર્સ બંનેની મદદથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જામનગર શહેરના ખૂણે-ખૂણે પોલીસની ગાડીઓ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અફવા ન ફેલાય.
આ પણ વાંચો - Jamnagar News: ધ્રોલ નજીક બે કાર વચ્ચે ટક્કર, અકસ્માતમાં ત્રણના મોત, છ ઘાયલ