ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ સોમવારથી પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલો ખૂલી રહી છે, આમ છતાં બજારમાં ધો.1થી 10ના પૂરતા પ્રમાણમાં પાઠય પુસ્તકો મળતા ન હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયેલા છે અને વિક્રેતાઓ પણ તેમને ઘટતા પુસ્તકોનો જથ્થો મળે એની રાહ જોઈ રહ્યા છે. જામનગરમાં છેલ્લા દસેક દિવસથી લોકો પાઠયપુસ્તકો ખરીદવા પડાપડી કરી રહ્યા છે. જોકે, વિક્રેતાઓ પાસે પૂરતા પુસ્તકો ન હોવાને કારણે તેમણે ખાલી હાથે પરત ફરવું પડે છે.
વાલીઓ દુકાને-દુકાને ધક્કા ખાઈ વેપારી પર ગુસ્સે થાય
ખાસ કરીને ખાનગી શાળાઓમાં જ્યાં ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના પુસ્તકો અભ્યાસક્રમમાં છે, એ પુસ્તકો અત્યારે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય નથી. એક પુસ્તક વિક્રેતાએ કહ્યું કે વેકેશન ખૂલે ત્યાં સુધીમાં તો પાઠ્યપુસ્તકોની ખરીદી થઈ જતી હોય છે પણ આ વખતે બહુ મોડું થઈ ગયું છે. અમે માગણી કરીએ છીએ પણ ગાંધીનગરથી પુસ્તકો આવતા ન હોવાથી અમને મળતા નથી. અમે ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળને પત્ર પણ લખ્યો હતો, એવો જવાબ મળ્યો હતો કે ઘટતા પુસ્તકો મોકલીશું પણ હજી સુધી મળ્યા નથી. મોટાભાગે 20 મેની આસપાસ બધા પુસ્તકો આવી જતા હોય છે. એટલે વેકેશન ખૂલવાના 15-20 દિવસ પહેલા પુસ્તકોની ખરીદી શરૂ થઈ જતી હોય છે. આ વખતે હજી સુધી પુસ્તકો પૂરા થયા નથી. બધા ધોરણમાં બેથી ચાર વિષયના પુસ્તકોની ઘટ છે. જેના કારણે 60થી 70 ટકા વાલીઓ અધૂરો સેટ ખરીદવાનું ટાળે છે અને પુસ્તકો ના હોવાને કારણે વાલીઓ દુકાને-દુકાને ધક્કા ખાઈ વેપારી પર ગુસ્સે થાય છે. જામનગર શહેરમાં જેટલા પાઠયપુસ્તક વિક્રેતાઓ દરેક વિક્રેતા આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
પુસ્તક વગર ભણશે ગુજરાત ?
એક તરફ સરકાર ભાર વિનાનું ભણતરની વાત કરી રહી છે અને બીજી તરફ બાળકો પુસ્તકો વિના અભ્યાસ કરી રહ્યાં છે, ત્યારે સવાલ એ થાય છે કે આ પરિસ્થતિમાં કેવી રીતે ભણશે ગુજરાત ? ત્યારે સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ અને શિક્ષક સંગઠને પણ મેદાને આવી સરકારને ઠમઠોરવી જોઈએ અને વિદ્યાર્થીઓને પુસ્તકો અપાવવા પ્રયાસ કરવા જોઈએ એવી માગ ઉઠી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે આ તમામ બાળકોને પુસ્તકો ક્યારે મળશે ?