Jasdanમાં વરસાદ બંધ થયા બાદ પણ અનેક સોસાયટીઓ પાણીમાં, સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો
રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં બપોરે થયેલા સામાન્ય વરસાદ બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેતા સ્થાનિક લોકોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદ બંધ થયાના બાદ પણ પાણીનો કોઈ યોગ્ય નિકાલ ન થતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યા ખાસ કરીને વિંછિયા રોડ પરની વિશ્વકર્મા સોસાયટીમાં વધુ ગંભીર છે. અહીં વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા અને મોડી રાત સુધી પણ પાણી ઓસર્યા નહોતા.
બપોરે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
રસ્તાઓ પર ભરાયેલા પાણી અને ખાડાઓને કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આટલું જ નહીં વોર્ડ નંબર ત્રણમાં રસ્તા પરના એક ખાડામાં બે નાના બાળકો પણ પડી ગયા હતા. સદનસીબે તેમને સમયસર બચાવી લેવાયા હતા. આ ઘટનાએ તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તેમણે આ સમસ્યા અંગે જસદણ નગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરી છે. અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
નપાને રજૂઆત કર્યા છતાં તંત્રના આંખ આડા કાન
સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શું નગરપાલિકા તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું? તંત્રના આ બેદરકાર વલણથી કંટાળીને આ વિસ્તારના લોકોએ છેવટે પોતાની વ્યથા મીડિયા સમક્ષ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. લોકોની માંગ હતી કે તંત્ર તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરે અને રસ્તાઓની મરામત કરાવે. જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને.