આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પ્રતિ વર્ષ કુટુંબ દીઠ રૂપિયા 10 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર સરકાર દ્વારા યોજના સાથે જોડાયેલી ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા 4 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો, ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના તમામ આશા બહેનો, રાજ્ય સરકારના વર્ગ-3 અને વર્ગ-4 ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક આપેલ ફિક્સ પગારના કર્મચારીઓ, વાર્ષિક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના 60 વર્ષ અને તેથી વધુ ઉમરના સિનિયર સીટીઝનો, રાજ્ય સરકારના હાલ ફરજ બજાવતા રેગ્યુલર કર્મચારી તથા પેન્શન મેળવતા નિવૃત કર્મચારી તથા તેના પર આશ્રિત કુટુંબના સભ્યોને G કેટેગરીના કાર્ડનો લાભ આપવામાં આવે છે.
તમામ ખર્ચનો થાય છે સમાવેશ
આયુષ્માન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પ્રાથમિક, સેકન્ડરી અને ગંભીર બિમારીઓનો, હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી, સર્જરી બાદની અનુવૃત્તિ સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, ફોલો-અપ, મુસાફરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા- જવાના ભાડા પેટે રૂપિયા 300ની સહાય પણ આપવામાં આવે છે.
વરિષ્ઠ નાગરિકો આયુષ્યમાન વય વંદના કાર્ડ મેળવી શકે છે
ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 70 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા ગુજરાતના વરિષ્ઠ નાગરિકો માટે વડાપ્રધાન દ્વારા તા.29-10-2024ના રોજથી આયુષ્યમાન વય વંદના યોજના મુકવામાં આવેલી છે. આ યોજનામાં 70 વર્ષ કે તેથી વધુ ઉમરના ગુજરાતના વરિષ્ઠ નાગરિકો કે જેની પાસે પહેલાથી PMJAY કાર્ડ નથી તેવા તમામ ગુજરાતના વરિષ્ઠ નાગરિકોની સામાજિક કે આર્થિક સ્થિતિને ધ્યાને લીધા સિવાય આધાર કાર્ડમાં દર્શાવેલી ઉંમરને આધારે વરિષ્ઠ નાગરિકો આયુષ્યમાન વય વંદના કાર્ડ મેળવી શકે છે.
જુનાગઢ જિલ્લાની 8 ખાનગી હોસ્પિટલ યોજનામાં જોડાયેલી
જૂનાગઢ જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કુલ 8 ખાનગી હોસ્પિટલ વિવિધ સ્પેશિયાલિટી સાથે યોજનામાં જોડાયેલી છે તથા જુનાગઢ જિલ્લામાં લોકો તેમની નજીકના કોઈ પણ ઇ-ગ્રામ સેન્ટર, સરકારી દવાખાના, કે યોજના સાથે જોડાયેલી તમામ ખાનગી હોસ્પિટલમાં જઈને જરૂરી ડૉક્યુમેન્ટ રજૂ કરીને સરળતાથી PMJAY કાર્ડ મેળવી શકે છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધી વિવિધ કેમ્પ કરીને, હાઉસ-ટુ-હાઉસ મુલાકાત કરીને કુલ 9,65,052 કાર્ડ એનરોલમેન્ટ થયેલા છે અને જૂનાગઢ જિલ્લાના નાગરિકો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે.
આ પણ વાંચો: Gandhinagar: TET-1 પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ 90 ટકાથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો