જૂનાગઢ અને મેંદરડા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મેંદરડાના દાત્રાણા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને મેંદરડા તરફ જતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ, જૂનાગઢ કેશોદમાં પણ ભારે વરસાદથી હલકી સર્જાઈ છે. મધરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને વાડી વિસ્તારમાં 22 જેટલા લોકો ફસાયા હોવાના અહેવાલ છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર દ્વારા ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.


વંથલી તાલુકામાં પણ ભારે વરસાદ

જૂનાગઢના વંથલી તાલુકામાં પણ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વંથલીના સુખપુર અને ભાટિયા પાસેના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને પાક નુકસાની જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે તેમના માથે ચિંતાના વાદળો છવાયા છે. વંથલીના બંધડા ગામમાં તો મધુવંતી ડેમનું પાણી ઘૂસી જતાં ભારે હાલાકી સર્જાઈ છે. વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા આ વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાવીને તેમને ગામની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે.

ભાટિયા નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા

આ ઉપરાંત, જૂનાગઢમાં ભારે વરસાદના કારણે ભાટિયા નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ કોઝવે બંધ થવાથી ભાટિયા, નવાગામ અને બોડકા જેવા ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઓઝત નદી ગાંડીતૂર બની છે અને બે કાંઠે વહી રહી છે, જે આસપાસના વિસ્તારો માટે જોખમી બની છે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સલામત રહેવા માટે અપીલ કરી રહ્યું છે.


  • Follow us on: