જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા વચ્ચે જ ભારતી આશ્રમના લઘુ મહંત ગુમ થયા હતાં. તેમણે સ્થળ છોડ્યા પહેલા એક પાંચ પાનાની સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેમણે પાંચ લોકો દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાર બાદ તેઓ પોતાનું સ્થળ છોડીને મોડી રાત્રે નીકળી ગયા હતાં. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી હતી. પોલીસ તેમને શોધવા માટે દોડતી થઈ ગઈ હતી. તપાસનો રેલો છેક અમદાવાદ સુધી પહોંચી ગયો હતો. પરંતુ ચારેક દિવસની મથામણ બાદ આખરે મહાદેવ ભારતી ઈટાવા ઘોડી વિસ્તારમાંથી મળી આવ્યા છે. તેઓ અશક્ત હોવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વોટ્સએપ ચેટથી ભારતી આશ્રમમાં ચાલતી કામલીલી ખુલ્લી પડી
મહાદેવ ભારતી જ્યારે ગુમ થયા ત્યારે તેમણે એક સ્યુસાઈડ નોટ લખી હતી. પાંચ પાનાની આ નોટમાં તેમણે પાંચ લોકો દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમની શોધખોળ દરમિયાન તેમની અન્ય વ્યક્તિ સાથેની એક વોટ્સએપ ચેટ પણ સામે આવી હતી. જેમાં ઘણી બધી બાબતોને ખુલાસો થયો હતો. આ વોટ્સએપ ચેટથી ભારતી આશ્રમમાં ચાલતી કામલીલી ખુલ્લી પડી હતી. સંદેશ ન્યૂઝ આ વોટ્સએપ ચેટની પુષ્ટિ નથી કરતુ. મહાદેવ ભારતીએ લખેલી ચીઠ્ઠીમાં આશ્રમમાં ત્રણ કર્મચારીઓ ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. જેમાં પરેશ્વર ભારતી, હિતેશ ઝડફિયા અને કુણાલના નામનો ઉલ્લેખ છે. પોલીસે તપાસ દરમિયાન આ સ્યુસાઈડ નોટ પણ કબજે કરી તેના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.













