જૂનાગઢ પ્રસિદ્ધ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવગીરી બાપુના અચાનક ગુમ થવાથી સનસનાટી મચી ગઈ હતી. બાપુએ ગુમ થતા પહેલા લખેલી સુસાઇડ નોટ અને તેમની આપત્તિજનક વોટ્સએપ ચેટ વાયરલ થતાં આશ્રમની આંતરિક બાબતોનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો. બાપુને શોધવા માટે પોલીસ સક્રિય થઈ હતી. આખરે ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતી અશક્ત હાલતમાં ઈટવા ઘોડી વિસ્તારમાંથી મળી આવ્યા છે.


મહાદેવ ભારતીને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા

ભારતી આશ્રમના ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતીને શોધવા માટે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. છેલ્લા ચારેક દિવસથી તેમને શોધવા માટે પોલીસ કામે લાગી હતી. ત્યારે ઈટાવા ઘોડી વિસ્તારમાંથી મહાદેવ ભારતી અશક્ત હાલતમાં મળી આવ્યા છે. તેમની હાલત નાદુરસ્ત હોવાથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 

મહાદેવ ભારતી બાપુ ગુમ થયા બાદ પોલીસ દોડતી થઈ હતી

ગીરનારની પવિત્ર લીલી પરિક્રમા વચ્ચે જૂનાગઢના ભવનાથ વિસ્તારમાંથી ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ આશ્રમમાંથી ગુમ થયા હતાં. તેઓ આશ્રમમાંથી નીકળી ગયા હતા અને એક સુસાઇડ નોટ પણ લખી ગયા હતાં. આશ્રમ સંચાલકોને મહાદેવ બાપુના ગુમ થવા અંગે જાણ થતા જ તાત્કાલિક ભવનાથ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની ટીમોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી.

  • Follow us on: