જૂનાગઢમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ સામે ગંભીર આક્ષેપો થયા છે. શાળાએ સાર્વજનિક પ્લોટ પર ગેરકાયદેસર દબાણ કરીને દિવાલ બનાવી દીધી હોવાનો અને હોસ્ટેલ ફીના મામલે અનિયમિતતાઓ આચરવાનો આરોપ પરિજનો દ્વારા લગાવવામાં આવ્યો છે. આ વિવાદ હાલ ત્યારે સામે આવ્યો છે જ્યારે હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને માર મારવાની ઘટના બની હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ આલ્ફા સ્કૂલે જાહેર જગ્યામાં દબાણ કરીને તેને પોતાના પરિસરમાં ભેળવી દીધી છે.


હોસ્ટેલની ફી બાબતે પરિવારજનોએ કર્યો આક્ષેપ

દબાણ થયેલા પ્લોટ પર ટ્રેક્ટર અને જેસીબી જેવા વાહનો રાખી દેવામાં આવ્યા છે. પરિવારજનોએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી સાર્વજનિક જગ્યાઓ ખુલ્લી કરાવવાની માંગ કરી છે. શાળા સંચાલકે પણ દબાણ થયાનો સ્વીકાર કર્યો છે. પરંતુ સાથે જ જણાવ્યું છે કે સોસાયટીને આ જગ્યાનો ઉપયોગ કરવા માટે છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત હોસ્ટેલની ફી બાબતે પણ પરિવારજનોમાં રોષ છે. તેમનો આરોપ છે કે હોસ્ટેલની ફીની પાવતીમાં હોસ્ટેલનું નામ ગાયબ હોય છે.

હોસ્ટેલના નામ વગરની પાવતી અપાયાનો કરાયો આક્ષેપ

જેના કારણે ફીની ચુકવણી પારદર્શક રીતે થઈ રહી નથી. આ સમગ્ર વિવાદ વિદ્યાર્થીને માર મારવાની ઘટના બાદ સામે આવ્યો હતો. શાળા સંચાલકે જણાવ્યું કે આ ઘટના બાદ હોસ્ટેલનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે અને તેને ફરીથી રિન્યૂ કરવામાં આવશે નહીં. આ ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે શાળા સંચાલકોની કામગીરી અનેક સવાલો ઉભા કરી રહી છે. હાલ પરિવારો દ્વારા આ મામલે કાયદાકીય કાર્યવાહીની તૈયારીઓ પણ ચાલી રહી છે.


  • Follow us on: