ગુજરાતમાં થોડા સમય પહેલા શિક્ષકો સામે તપાસ શરૂ કરાઈ હતી. ગામડામાં સરકારી સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો વિદેશ ગયા હોવા છતાં તેમની હાજરી સ્કૂલમાં બોલતી હોવાનો પર્દાફાશ થયો હતો. આ ઘટનામાં સરકારે તપાસના આદેશ પણ આપ્યા હતાં. ત્યારે હવે જૂનાગઢ જિલ્લામાં આ પ્રકારનો એક બનાવ સામે આવ્યો છે. જિલ્લાના ભલગામમાં સ્થિત સરકારી મીડલ સ્કૂલની લાલિયાવાડી સામે આવી છે. શિક્ષિકાની હાજરી બારોબાર પુરી દેવામાં આવી હોવાની તપાસ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સોંપવામાં આવી છે.


સ્કૂલના આચાર્યનું નિવેદન પણ નોંધવામાં આવ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢ જિલ્લાના ભલગામમાં સરકારી મીડલ સ્કૂલમાં બ્યુટી એન્ડ વેલનેસ ટ્રેડ નામનો વિષય ભણાવતી શિક્ષિકા વર્ગખંડમાં બાળકોને અભ્યાસ કરાવવા માટે આવતા નહીં હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ હતી. વિદ્યાર્થીઓએ નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી મનીષાબેન હીંગરાજીયાને આ ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ અપાયા છે. ફરિયાદના આધારે શિક્ષિકાને કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી. આ અંગે સ્કૂલના આચાર્યનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.

સ્કૂલના મંડળને તપાસ કરી પગલા લેવા આદેશ કરાયો

સ્કૂલમાં વોકેશનલ ટ્રેનર તરીકે એક દિવસ પણ શાળામાં હાજર નહીં રહેનાર શિક્ષિકાની હાજરી પૂરી દેવામાં આવી હોવાથી તેની તપાસ શરૂ કરાઈ છે. આ હાજરીને આધારે સરકાર દ્વારા શિક્ષિકાને દર મહિને પગાર પણ ચૂકવાઈ રહ્યો છે. શાળાના આચાર્યનું કહેવું છે કે, શિક્ષિકાની ત્રણ દિવસની હાજરી ભૂલથી પુરાઈ ગઈ છે. આ સમગ્ર ઘટના અંગે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલના મંડળને તપાસ કરી પગલા લેવા આદેશ કરાયો છે.


  • Follow us on: