ભારતના ભવિષ્યનો જે આધાર છે તેવા બાળકો ભયના ઓથાર હેઠળ શિક્ષણ મેળવી રહ્યા છે, વાત છે જુનાગઢ જિલ્લાના વંથલી નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલની કે જ્યાં અતિશય જર્જરીત બિલ્ડીંગમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. મોતના માચડા સમાન બિલ્ડિંગમાં ગમે ત્યારે કોઈ દુર્ઘટના બને તો કોઈ નવાઈ નહીં, હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે દુર્ઘટનાની શક્યતાઓ વધી જાય છે. કારણ કે અત્યંત જર્જરિત હાલત આ બિલ્ડીંગની હોવાથી ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.


હાઈસ્કૂલમાં છેલ્લા 11 મહિનાથી અભ્યાસ કરાવવામાં આવે છે

છતના ઉપરથી પોપડા પડી ગયા છે અને સ્લેબના નાખેલા લોખંડના તાર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. સંચાલિત હાઈસ્કુલ 1956માં બનાવવામાં આવી હતી. હાલ પે સેન્ટર શાળાનું નવીનીકરણ થઈ રહ્યું છે, જેને લઈને કન્યા પે.સેન્ટર શાળાના 146 જેટલા વિદ્યાર્થીઓને વંશી નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલમાં છેલ્લા 11 મહિનાથી અભ્યાસ કરાવવામાં આવે છે, તેમાં તેના ઉપરનો માળ ઉતારી લેવાની સૂચના આપી છે, પરંતુ કોના દ્વારા સૂચના આપવામાં છે તે જાણકારી મળી નથી.

અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય ઉપર જોખમ

વંથલી નગરપાલિકા હસ્તકની આ સ્કૂલમાં વકીલ અને સીટી સર્વે મારફત દસ્તાવેજ પ્રક્રિયા થઈ રહી છે, આ બાબતે ડેપ્યુટી કલેક્ટરમાંથી હુકમ આવ્યા બાદ કેસ આગળ ધપાવવામાં આવશે. ત્યારબાદ રેકોર્ડ તૈયાર થશે અને હાઈસ્કૂલના ઉપરના માળનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવશે. હાલ તો જે ખોવાયેલા દસ્તાવેજ છે તે મળી આવ્યા છે અને ઝડપથી આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે તેવું નગરપાલિકાના સભ્ય દ્વારા જણાવ્યું હતું. ગુજરાત સરકારે શિક્ષણ માટે કરોડો રૂપિયા ફાળવ્યા છતાં નગરપાલિકા સંચાલિત સ્કૂલની હાલત જોતા ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય ઉપર જોખમ ઊભું થયું છે. હકીકતમાં બિલ્ડીંગમાં થનાર ખામી માટે કોણ જવાબદાર છે તે પ્રશ્ન હજુ યથાવત છે.


  • Follow us on: