જુનાગઢ શહેર નજીકથી પસાર થતી લોન નદીના કિનારેથી મોટી માત્રામાં એક્સપાયરી થયેલી દવાઓ અને ઇન્જેક્શનોનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ આરોગ્ય વિભાગની કામગીરી અને દરોના નિકાલની પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. સાથે જ, આરોગ્ય વિભાગ દ્વારા એક્સપાયરી દવાઓના નિકાલ માટેની પ્રવર્તમાન પ્રણાલીની સમીક્ષા કરી તેમાં સુધારો કરવા અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય બન્યું છે.
દવા સાથે ઇન્જેક્શનનો જથ્થો પણ મળ્યો
તમને જણાવી દઈએ કે, જુનાગઢ શહેરના લોન નદીના કિનારેથી પસાર થઇ રહેલા કેટલાક સ્થાનિકોને દવાઓ અને ઇન્જેક્શનનોના પેકેટોનો મોટો ઢગલો જોવા મળ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે, આ તમામ દવાઓ અને ઇન્જેક્શનોની મુદત પૂરી થઇ ગઈ છે અને તે વપરાશ માટે યોગ્ય છે. આ પ્રકારે એક્સપાયરી દવાઓનો જથ્થો ખુલ્લેઆમ નદી કિનારે ફેંકી દેવાયો હોવાની ઘટના પરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે દવાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો નથી.
આરોગ્ય વિભાગ પર ઉભા થયા સવાલ
નિયમો અનુસાર, મુદતવીતી દવાઓનો નિકાલ પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે અને યોગ્ય પ્રક્રિયા દ્વારા થવો જોઈએ. પરંતુ અહીં દવાની કંપનીઓ, હોસ્પિટલો કે આરોગ્ય કેન્દ્રો દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાથી પર્યાવરણ અને જાહેર આરોગ્ય બંનેને ગંભીર જોખમ ઉભું થયું છે. નદી કિનારે ફેંકાયેલી દવાઓ વરસાદમાં કે પાણીના સંપર્કમાં આવતા નદીના પાણીને દુષિત કરી શકે છે, જે જળચર જીવો અને પાણીનો ઉપયોગ કરતા લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.