જુનાગઢમાં ST બસ બેકાબૂ બનતા એક મોટો અકસ્માત સર્જાયો છે. જુનાગઢ-પોરબંદર રૂટ પર દોડતી આ બસની અચાનક બ્રેક ફેઇલ થઈ જતાં ડ્રાઇવરે તેને ડિવાઈડર સાથે અથડાવીને ઊભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બેથી વધુ લોકોને ઈજા પહોંચી છે અને ત્રણ કારને પણ નુકસાન થયું છે. આ અકસ્માત બાદ રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.


જુનાગઢ પોરબંદરની બસનો અકસ્માત

બસ ચાલકે બ્રેક ફેલ થયા બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સમજદારીપૂર્વક બસને ડિવાઈડર સાથે અથડાવી હતી. જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહીં. જોકે આ ઘટનામાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

બસની બ્રેક ફેઇલ થતા ડિવાઇડર સાથે ટકરાઇ

ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક કંટ્રોલર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે યુદ્ધના ધોરણે ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેથી અન્ય વાહનચાલકોને વધુ મુશ્કેલી ન પડે. આ ઘટના ફરી એકવાર વાહનોની યોગ્ય જાળવણી અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. ખાસ કરીને જાહેર પરિવહન સેવાઓ માટે દોડતા વાહનોની નિયમિત તપાસ અને જાળવણી અત્યંત જરૂરી હોય છે. જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.


  • Follow us on: