કચ્છમાં છેલ્લા 17 દિવસથી વરસાદી મહેર જોવા મળી રહી છે. તેમાંય રવિવારની રાત્રીના જે રીતે બારે મેઘ ખાંગા થયા હતાં, તેને કારણે નદી, નાળા બે કાંઠે વહેતા થયા છે. જેના કારણે ઘણાખરા ગામોનો વાહનવ્યહાર ઠપ્પ થઈ ગયો છે તો અમુક જગ્યાએ રસ્તાઓ, કોઝ વે પણ તુટી ગયા છે. જેને કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે, ત્યારે આ વરસાદે રોડ, કોઝ વે સહિતની નુક્સાની કરવાની સાથે સાથે શાકભાજીમાં પણ એટલું જ નુક્સાન કર્યું છે. વરસાદના કારણે શાકભાજી બગડી જવાને કારણે આવક ઘટી ગઇ છે. જેના કારણે શાકભાજીનાં ભાવોમાં ભડકો જોવા મળી રહ્યો છે. મોટાભાગનાં શાકભાજીમાં સરેરાશ ૮૦ થી ૧૦૦ ટકા જેટલો વધારો થયો છે.


ભારે વરસાદને કારણે લીલા શાકભાજી બગડી જતાં આવકમાં નોંધપાત્ર ઘટાડો

એક તો પહેલેથી મધ્યમવર્ગ મોંઘવારીથી હેરાન પરેશાન છે, તેવામાં લીલા શાકભાજીના ભાવોમાં થયેલા ધરખમ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. સામાન્ય રીતે તો ચોમાસા દરમ્યાન શાકભાજીનાં ભાવોમાં સારા એવા પ્રમાણમાં ઘટાડો જોવા મળતો હતો, પરંતુ આ વખતે ભારે વરસાદને કારણે લીલા શાકભાજી બગડી જતાં આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, તો બીજી તરફ માગ વધી છે. જેના કારણે શાકભાજીનાં ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેના કારણે લોકોનાં ઘરોમાં થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થઇ રહ્યા છે, તેની સામે બટેકા અને કઠોર નજરે પડી રહ્યા છે. હોલસેલની સાથે સાથે રિટેઇલ માર્કેટમાં પણ છેલ્લા સાત આઠ દિવસથી ક્રમશઃ ભાવમાં વધારો થઇ રહ્યો છે.

હોલસેલ શાકમાર્કેટના બદલાયેલા ભાવ

ભુજ એપીએમસીની હોલેસેલ શાકમાર્કેટમાં બોલાયેલા ભાવો ઉપર નજર કરવામાં આવે તો ડુંગળીનાં રૂ. ૨૦, બટેકાનાં રૂ. ૧૮, ટમેટાનાં રૂ. ૪૫, મરચાનાં રૂ. ૧૦, મરચીનાં રૂ. ૧૦૦, રિંગણા-કારાનાં રૂ. ૩૦, રિંગણા-બાજરિયાનાં રૂ. ૪૦, કોબી દેશીનાં રૂ. ૧૫, કોબીનાં રૂ.૩૦, ફુલાવરનાં રૂ. ૫૦, ફુલાવર દેશીનાં રૂ. ૪૩, વટાણાનાં રૂ. ૧૮૦, ધાણાનાં રૂ. ૮૦, ભીંડાનાં રૂ. ૪૦, કાકડી કાળીનાં રૂ. ૨૦, કાકડી સફેદનાં રૂ. ૨૦, કાકડી ખીરાનાં રૂ. ૫૦ પ્રતિ કિલોનાં ભાવે વેચાણ થયંુ હતું. આ સિવાય પાલકનાં રૂ. ૨૦, સૂકા લસણના રૂ. ૧૦૦, લીંબુનાં રૂ. ૨૫, પિતાઇ ગાજર-કેશરીનાં રૂ. ૩૫, દૂધીનાં રૂ. ૨૦, આદુનાં રૂ. ૬૦, કારેલાનાં રૂ. ૫૦, સક્કરિયાનાં રૂ. ૩૫, ચોળા ડોલરનાં રૂ. ૫૦, ચોળીનાં રૂ. ૮૦, ટિંડોળાનાં રૂ. ૫૦, મરચા સિમલાનાં રૂ. ૧૨૦, ગુવાર દેશીનાં રૂ. ૧૨૦, ગુવાર રૂ. ૧૨૦, ગિસોડા રૂ. ૭૦, પરવળનાં રૂ. ૬૦, સરગવાનાં રૂ. ૫૦, ફણસીનાં રૂ. ૧૬૦, બિટનાં રૂ. ૪૦ પ્રતિ કિલોનાં ભાવ બોલાયા હતા.

ફળોના હોલસેલનાં ભાવોમાં પણ નોંધપાત્ર વધારો

ભુજની હોલેસેલ શાકમાર્કેટમાં હાલે ફળોના ભાવોમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. અહીં કેળા કાચા રૂ. ૨૦, કેળા પાકાનું રૂ. ૩૦ કિલોનાં ભાવે વેચાણ થઇ રહ્યંુ છે. જ્યારે કાચા પપૈયાનાં રૂ. ૧૨ અને પાકા પપૈયાનાં રૂ. ૧૫, જામફળનાં રૂ. ૮૦, ચીકુનાં રૂ. ૪૦, દાડમનાં રૂ. ૬૦, કલિંગરના રૂ.૨૦નાં ભાવે વેચાણ થઇ રહ્યું છે. જેના હાલે રિટેઇલ માર્કેટમાં રૂ.૫૦થી લઇને રૂ.૧૬૦ જેટલા ભાવો વસુલવામાં આવી રહ્યા છે.

આવકમાં ઘટાડા સામે વેચાણમાં વધારો થતાં ભાવો વધ્યા

ભુજ એપીએમસીમાં શાકભાજીનાં હોલસેલ વેપારી ચિંતનભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, હાલે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે એપીએમસીમાં માલની આવક ઘણી ઓછી થઇ ગઇ છે. તેની સામે માંગ વધી ગઇ છે. વરસાદને કારણે માલ બગડી જતાં સ્વાભાવિક પણે જ માલની આવક ઓછી ગઇ છે, જેના કારણે ભાવો પણ ઉંચા ગયા છે. અહીં દહીંસરા, કેરા, કાળી તલાવડી, માધાપર, લાખોંદ સહિતનાં વિવિધ ગામોમાંથી લીલા શાકભાજીની નહીંવત આવક થઇ રહી છે, તેની સાથે સાથે રાજકોટ, ડીસા, વડોદરા, અમદાવાદ સહિતનાં શહેરોમાંથી પણ લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. જેના પગલે હાલે એપીએમસીમાં નહીંવત માલની આવક થઇ રહી છે, જેની સામે વેચાણ ઘણું વધુ જોવા મળી રહ્યું છે.

  • Follow us on: