કચ્છમાં સરહદી વાગડ વિસ્તારના ખડીર દ્વિપ સમૂહમાં રતનપર નજીક આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાનથી ભારતમાં ઘૂસેલા સગીર વયના પાકિસ્તાની પ્રેમી પંખીડાને ગ્રામજનોની સતર્કતાથી પોલીસે ઝડપી લીધા બાદ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. બંનેની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રારંભિક તબક્કે બંને પાકિસ્તાનના થરપારકર જિલ્લાના વતની હોવાની સાથે એકબીજાનો પ્રેમ પામવા માટે ભારતમાં ઘૂસણખોરી કરી હોવાની કેફિયત આપી રહ્યા છે. જોકે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પ્રેમ સિવાય અન્ય કોઈ નાપાક ઈરાદો છે કે કેમ? તે સહિતની બાબતે ગંભીરતાથી તપાસ કરી રહી છે.
ગ્રામજનોએ સરપંચ મારફતે પોલીસને જાણકારી આપી
ખડીર પોલીસના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે બપોરના અરસામાં ખડીર પંથકના રતનપર ગામના જંગલ વિસ્તારમાં આવેલા સાંગવારી માતાજીના મંદિર પાસે તળાવની પાછળ બાવળની ઝાડી નીચે એક શંકાસ્પદ યુગલ બેઠું હોવાની જાણ થતાં ગ્રામજનોએ સરપંચ મારફતે પોલીસને જાણકારી આપી હતી. જેના પગલે પોલીસ કાફલો ત્વરિત તળાવ પાસે દોડી ગયો હતો અને બંનેની પૂછપરછ શરૂ કરી હતી, જેમાં યુવક અને યુવતી પાકિસ્તાની હોવાનો ખુલાસો થયો હતો. પકડાયેલા 16 વર્ષીય યુવક અને 15 વર્ષીય યુવતી પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઈસ્લામકોટ તાલુકાના લસરી ગામમાં શિવમંદિર પાસે રહેતા હોવાની કબૂલાત કરી હતી.
બંનેને પોલીસ મથકે લઈ જઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતાં બંને વચ્ચેના પ્રેમ સંબંધને અન્ય લોકો નહીં સ્વીકારે તેવા ડર સાથે ઘરથી કંટાળીને ભારત-પાકિસ્તાનની સરહદ ઓળંગીને આવ્યાનો દાવો કર્યો હતો. આ અંગે ખડીર પોલીસ દ્વારા જાણવા જોગ નોંધ દાખલ કરી ખડીર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ.વી.એ.ઝા એ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજીતરફ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી ભાગીને ભારતમાં ઘૂસી આવ્યા છે? કે અન્ય કોઈ ઈરાદો? સહિતના મુદ્દે રાજ્ય તથા કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
તબીબી ચકાસણી બાદ બંનેને જેઆઈસીમાં મોકલાશે
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનથી ભાગીને આવેલા પ્રેમી પંખીડાએ પોતાની ઉંમર બતાવી હતી, પરંતુ બંનેની સાચી ઉંમર જાણવા માટે ગુરુવારના ભુજ ખાતે આવેલી જી.કે.જનરલ હોસ્પિટલમાં તબીબી ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ બંનેને જેઆઈસીમાં મોકલી દેવાશે. તેમ છતાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે અન્ય કોઈ કારણ સંદર્ભે હાલે સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
બંને રણમાં ભરાયેલા પાણીમાં તરીને ભારતમાં આવી પહોંચ્યા
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના પ્રેમી પંખીડાની પૂછપરછમાં તેઓને એકબીજા સાથે પ્રેમ સંબંધ હોવાથી પરિવારથી કંટાળીને ભારતમાં આવી પહોંચ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ પાકિસ્તાનથી ભારત વચ્ચે રણમાં પાણી ભરાયેલું હોવા છતાં તેઓ તરીને ભારતમાં આવી પહોંચ્યા હતા. બે દિવસ પહેલાં તેઓ ઘરેથી નીકળી ગયા હતા અને રણ મારફતે ભારતીય સીમામાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના થરપારકર જિલ્લાના વતની પ્રેમી પંખીડાની તપાસમાં ડોક્યુમેન્ટ કે અન્ય કોઈ પણ પ્રકારની શંકાસ્પદ સામગ્રી મળી આવી ન હતી. તેમજ બંનેને પગમાં ચપ્પલ પણ મળી આવ્યા ન હતા. ત્યારે બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું રટણ કરે છે, પરંતુ અન્ય પાસાની જાણકારી મેળવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ ઢબે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.