કડીમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરની સમયસૂચકતા અને બહાદુરીના કારણે એક યુવતીનો જીવ બચી ગયો છે. કડીની મુખ્ય કેનાલ પરથી એક યુવતીએ આત્મહત્યા કરવાના ઈરાદે પાણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ પોલીસ અધિકારીની નજર તેના પર પડતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. કડીના PI રાબેતા મુજબ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન તેમની નજર કેનાલ તરફ ગઈ. જ્યાં એક યુવતી પાણીમાં પડી ગઈ હતી.


મુખ્ય કેનાલ પરથી યુવતીએ લગાવી હતી મોતની છલાંગ

પરિસ્થિતિની ગંભીરતા સમજતા PIએ તુરંત પોતાની ગાડી ઉભી રાખી હતી. તેમણે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર પાણીમાં છલાંગ લગાવીને યુવતીને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન નજીકમાં ઉભેલા એક સ્થાનિક યુવાને પણ મદદ માટે હાથ લંબાવ્યો હતો. પોલીસ અધિકારી અને સ્થાનિક યુવાનની મદદથી યુવતીને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. સમયસર મદદ મળતા યુવતીનો જીવ બચી ગયો હતો.

પેટ્રોલિંગમાં નીકળેલા કડી PIએ યુવતીને બચાવી લીધી

પોલીસ દ્વારા યુવતીને સલામત સ્થળે લઈ જઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. જેથી તેના આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ જાણી શકાય. પોલીસ અધિકારીની આ ફરજપરસ્તી અને માનવતાભર્યા કાર્યને કારણે સર્વત્ર તેમની પ્રશંસા થઈ રહી છે. તેમણે માત્ર કાયદાનું પાલન જ નહીં પરંતુ એક માનવ જીવ બચાવીને સાચી પોલીસિંગની મિશાલ રજૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી આપ્યું છે કે પોલીસ માત્ર ગુનાઓને રોકવા માટે નહીં પરંતુ સંકટના સમયે લોકોની મદદ કરવા માટે પણ હંમેશા તૈયાર રહે છે.

  • Follow us on: