મેહસાણા જિલ્લાના કડી શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં અજાણ્યા ગઠિયાઓએ એક યુવકની એક્ટિવાની ડેકી તોડીને ચાર લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


યુવકે બેન્કમાંથી પૈસા ઉપાડી એક્ટિવામાં મુક્યા હતા

મળતી જાણકારી અનુસાર, યુવક બેન્કમાંથી રૂપિયા ઉપાડીને પોતાના એક્ટિવામાં મૂક્યા હતા. ત્યારબાદ, તે પોતાના પરિવાર સાથે નજીકમાં એક રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો. યુવકે પોતાનું એક્ટિવા રેસ્ટોરન્ટની બહાર પાર્ક કર્યું હતું. જેનો લાભ લીને બાઈક પર આવેલા બે ગઠિયાઓએ ચપળતાપૂર્વક એક્ટિવાની ડેકી તોડી અને અંદર રાખેલા રૂપિયાની ઉઠાંતરી કરી હતી. યુવક જમીને પાછો ફર્યો ત્યારે તેણે પોતાની એક્ટિવાની ડેકી તૂટેલી હાલતમાં જોવા મળી અને અંદરથી રૂપિયા ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. આ ઘટના બાદ તત્કાલીક પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે CCT Vના આધારે વધુ તપાસ હાથ ધરી

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આસપાસના CCTV ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. CCTV માં બે બાઈક સવાર શંકાસ્પદ વ્યક્તિઓ નજરે પડ્યા છે જેમના આધારે પોલીસે ચોરોને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાએ કડી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસે નાગરિકોને બેન્કમાંથી મટી રકમ ઉપડતી વખતે સાવચેતી રાખવા અને અજાણ્યા શખ્સોથી સાવધાન રહેવા અપીલ કરી છે.


  • Follow us on: