ખંભાતના પ્રાંત અધિકારીના વર્તનથી વકીલોમાં આક્રોશ લઈને એક વિવાદ સામે આવ્યો છે. પ્રાંત અધિકારીએ વકીલોને બહાર બેસવા કહ્યું હતું જેને લઈને કચેરીના કામથી અળગા રહીને વકીલોએ વિરોધ નોંધાવ્યો છે. વકીલોને અંદર બેસવા મુદ્દે બાર કાઉન્સિલે ઠરાવ કર્યો હોવા છતાં પ્રાંત અધિકારી દ્વારા કેસનો નંબર ન આવે ત્યાં સુધી બહાર બેસવા કહ્યું હતું. પ્રાંત કચેરીમાં વચેટિયા બાબતે વકીલો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વકીલોએ પ્રાંત અધિકારીનું વર્તન ન બદલાય ત્યાં સુધી આંદોલન ચાલું રાખવાની વાત કરી છે.


વકીલોને અંદર બેસવા મુદ્દે બાર કાઉન્સિલે ઠરાવ કર્યો

ખંભાતના પ્રાંત અધિકારીના વર્તનથી વકીલોમાં આક્રોશ જોવા મળ્યો છે. પ્રાંત કચેરીના કામથી અળગા રહી વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો. ઓપન કોર્ટમાં પ્રાંત અધિકારીએ વકીલોને કહ્યું હતું કે, કેસનો નંબર ન આવે ત્યાં સુધી અંદર આવવું નહી, બહાર જ બેસવું. આથી આ વિવાદ ઉદભવ્યો છે. કેસો દરમિયાન ખુલ્લી અદાલતમાં વકીલોને અંદર બેસવા મુદ્દે બાર કાઉન્સિલે ઠરાવ કરી પ્રાંત અધિકારીને રજુઆત કરી હતી. ત્યારે રજૂઆત સમયે પણ પ્રાંત અધિકારીના ગેરવર્તનથી વકીલોને લાગી આવ્યું હતું. પ્રાંત કચેરીમાં વચેટિયા દલાલો બાબતે પણ વકીલોએ રજૂઆત કરી હતી.

ગાંધીનગર સુધી રજૂઆત કરવાની વકીલોએ ચીમકી ઉચ્ચારી

પ્રાંત અધિકારીના આવા વર્તનને લઈ વકીલોને માઠું લાગ્યું હતું. આથી વકીલોનું કહેવું છે કે, જ્યાં સુધી પ્રાંત અધિકારીનું વકીલો પ્રત્યે વર્તન નહીં બદલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમજ આ બાબત અંગે ગાંધીનગર સુધી રજૂઆતો કરવાની વકીલોની ચીમકી ઉચ્ચારી હતી.



  • Follow us on: